સેલવાસ- સંઘપ્રદેશ સેલવાસ અને દીવને સ્માર્ટ સિટી બનાવવા માટેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે જે બાદ આ વિસ્તારમાં અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે.કેન્દ્ર સરકારનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે મહત્વનો પ્રોજેક્ટ છે, જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનું સલવાસ અને દીવને સામેલ કરાયા છે. આ મહત્વના પ્રોજેક્ટ માટેની કોમ્પિટિશનમાં સેલવાસ નંબર વન રહ્યું હતું ત્યારે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ સેલવાસમા નાગરીકોને કેવી સુવિધાઓ મળશે કેવુ હશે સેલવાસ શહેર તે માટેની સમગ્ર બ્લુપ્રિન્ટ પ્રશાસકના સલાહકાર એસ. એસ. યાદવે તેમની રૂબરુ મુલાકાતમાં જણાવ્યું હતું.યાદવે વિગતો આપી હતી કે સેલવાસને કુલ રુ.1,000 કરોડની ગ્રાન્ટ થકી સ્માર્ટ સીટી બનાવવામાં આવશે, જેમાં રુ.500 કરોડ પ્રશાસન ખર્ચશે અને રુ.500 કરોડની ગ્રાન્ટ સરકાર આપશે જેનાથી વિવિધ તબક્કે કામગીરી હાથ ધરાશે.
જેમાં સમગ્ર શહેરને સાફસૂથરૂ બનાવાશે, પાણીની યોગ્ય વ્યવસ્થા કરાશે, સેલવાસમાં તમામ વિસ્તારોમાં મોર્ડન સ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે, સારામા સારી ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપલબ્ધ હશે, સીએનજી વાહનો, ઈ રિક્ષા દ્વારા પોલ્યુશન ફ્રી શહેર બનાવાશે, તમામ બાગ બગીચા, તળાવ, નદી, શહેરના મુખ્ય ચારરસ્તા, મુખ્ય માર્ગો પર બ્યુટિફિકેશન કરાશે, ટૂરીઝમ ક્ષેત્રે પ્રવાસીઓને બહેતર સુવિધા પુરી પડાશે. વારલી પેઇન્ટીંગથી સુશોભન કરાશે, નાગરીકોને તમામ માહિતી ઑનલાઇન મળશે. સીટીઝન એપ દ્વારા દરેક નાગરીક તમામ માહિતી મેળવી શકશે. તમામ સરકારી કચેરી પેપરલેસ બનાવાશે.સ્માર્ટ સીટી પ્રોજેક્ટના નિયમોનુસાર ફંડ મેળવવા એક કંપનીની રચના કરવી જરૂરી છે જે માટે સેલવાસ પાલિકા દ્વારા નગરપાલિકા સિલવાસા કંપનીની રચના કરી છે જેમાં તમામ ફંડ ટ્રાન્સફર થશે અને તે બાદ તબક્કાવાર સેલવાસને સ્માર્ટ સીટીની દિશામાં આગળ વધારાશે.વધુમાં સ્માર્ટ સીટી અંતર્ગત બાંધકામના પણ તમામ નિયમો પાળવામાં આવશે તેવું પણ સલાહકારે જણાવ્યું હતું. હાલમાં સેલવાસમાં થતું તમામ બાંધકામ ડેવલોપમેન્ટ ટાઉન પ્લાનિંગના નિયમોનુસાર જ થાય છે સેલવાસમાં એફએસઆઈ અને ગ્રાઉન્ડ કવરેજના આધારે કન્સ્ટ્રક્શન કામગીરી ચાલે છે, જેમા એફએસઆઈ ૧.૨થી ૦૨ મીટર સુધીની છે. ગ્રાઉન્ડ કવરેજ એરિયા ૩૩ ટકાથી ૫૦ ટકા સુધીનો છે, જે અલગઅલગ વિસ્તારમાં નિયમોનુસાર છે અને એ જ રીતે ચાર માળ કે તેથી વધુની ઇમારતોનું કન્સ્ટ્રક્શન કરી શકાય છે.ત્યારે કુદરતી સંપદાની સાથે ઔધોગિક ક્રાંતિ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સેલવાસ સ્માર્ટ સેલવાસ સીટી બને અને જે રીતે સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં નંબર વન રહ્યુ તેવી જ રીતે નંબર વન સ્માર્ટ સીટીનો દરજ્જો મેળવશે તેવુ અંહીના નાગરીકો અને પ્રશાસન માની રહ્યુ છે.