4 હજાર રૂપિયામાં ડોક્ટર બનાવવાના રેકેટમાં થયા ચોંકાવનારા ખુલાસા

સુરત: ગુજરાતમાં પાછલા ઘણા સમયથી નકલીનો ખેલ ચાલી રહ્યો છે. અવાર નવાર ખોટા ડોક્યુમેન્ટથી લઈ સરકારી કર્મચારીઓ નકલી પકડાઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત નકલી ડોક્ટર બનાવવાનું રેકેટ સુરત પોલીસે ઝડપી પાડ્યુ હતું. આ રેકેટમાં સુરત પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે ગુજરાતમાં એક પણ શહેર કે જિલ્લો બાકી નથી જ્યાં નકલી ડિગ્રી આપી ન હોય. આવા 4 હજાર ડૉકટરો ગુજરાતમાં છે જેમાં સૌથી વધુ સુરતમાં અને બીજા નંબરે અમદાવાદમાં છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત પોલીસને સરકારની રજિસ્ટર્ડ સાઈટ પરથી આવા 1281 બોગસ ડોકટરો મળ્યા છે જે હજુ સુધી પોલીસને હાથ લાગ્યા નથી અને પ્રેક્ટીસ કરી રહ્યાં છે જયારે 2719નો તો હજુ સુધી કોઈ અત્તોપત્તો નહીં હોવાનું જાણવા મળ્યું છે. જે બોગસ ડોકટરોના નામ પોલીસ તપાસમાં ખૂલ્યા છે તેમની યાદી જે તે શહેરની પોલીસને સોંપવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, પકડાયેલા દસ પૈકીનો એક નકલી ડોકટરની સારવાર દરમિયાન દોઢ વર્ષની બાળકીનું મોત થયુ હતુ અને તે પછી વાલીએ કેસ કરતા તેની ધરપકડ પણ થઈ હતી. જો કે, આ રેકેટ પકડાયુ પછી ખબર પડી કે તે નકલી ડોકટર હતો. સમગ્ર રેકેટમાં સુરત પોલીસે પકડેલા અમદાવાદના ડો.બી.કે.રાવત અને સુરતના રસેષ ગુજરાતી આ કાળો કારોબાર ચલાવતા હતા જેમાં બોગસ ડિગ્રી તૈયાર કરીને આપવાનું કામ બી.કે.રાવતનું હતુ. નકલી ડોકટર તરીકે ગ્રાહક લાવવાનુ કામ રસેષ ગુજરાતી કરતો હતો અને તે રાવતને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરતો અને દસ મિનિટમાં રાવત બોગસ ડિગ્રી મોકલી આપતો. 70 હજારમાં જ આ કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો.