અમદાવાદઃ સાબરકાંઠામાં હિંમતનગર સહકારી જીન પાસે ગોઝારો અકસ્માત થયો છે. જેમાં શામળાજીથી અમદાવાદ પરત ફરી રહેલી કારના અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં છે. ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે અને એકની હાલત ગંભીર છે.
આ અકસ્માતમાં કાર પૂરઝડપે આવી રહી હતી ત્યારે અચાનક ટ્રેલરની પાછળ તેની ધડાકાભેર ટક્કર થઈ ગઈ હતી. જેમાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા તો બીજી બાજુ એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.
આ અકસ્માત થતાં જ હાઈવે પર પણ અફરા તફરી મચી ગઈ હતી. અહીં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. લોકો પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા.
પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ઈનોવા ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એ પછી 108 અને પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. તેમને આવીને કટર વડે ગાડીના દરવાજા તોડવા પડ્યા હતા. એ પછી મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
આ ઘટનાની જાણ થતા હિંમતનગર પોલીસનો કાફળો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માત અંગે ડેપ્યુટી SP એ કે પટેલે કહ્યું હતું કે સાંબરકાંઠા જિલ્લામાં હિંમતનગર હાઈવે પર આજે સવારે આ દુર્ઘટના બની છે. જેમાં શામળાજીથી અમદાવાદ પરત ફરતા સાત લોકોનાં મોત થયાં છે. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જે ઈજાગ્રસ્ત છે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો છે.