અમદાવાદઃ શિવસેનાના સંસદસભ્ય હાલમાં વિવાદાસ્પદ નિવેદનો કરીને વિવાદોના વમળમાં ઘેરાતા જાય છે. હજી કંગના રણૌત સાથે તેમનું વાકયુદ્ધ ચાલી જ રહ્યું છે, ત્યારે તેમણે ફરી એક નવો વિવાદ ઊભો કર્યો છે. ભાજપે શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત પર અમદાવાદને ‘મિની પાકિસ્તાન’ કહેવાનો આરોપ મૂક્યો છે અને માગ કરી છે કે તેઓ ગુજરાત અને અમદાવાદના લોકોની માફી માગે. પત્રકારોની સાથે વાત કરતાં તેમણે પૂછ્યું હતું કે અભિનેત્રી કંગના રણૌતે જે રીતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ની મુંબઈ સાથે તુલના કરી છે, ત્યારે કંગના રણૌતમાં અમદાવાદની સરખામણી ‘મિની પાકિસ્તાન’ સાથે કરવાની હિંમત છે?
સંજય રાઉત અને કંગના રણૌત વચ્ચે વાકયુદ્ધ
સંજય રાઉત અને કંગના રણૌત એકમેક સામે બરાબરના વાકયુદ્ધમાં ફસાયાં છે, કેમ કે કંગનાએ સુશાંત સિંહ રાજપૂતના મોત પછી મુંબઈને અસુરક્ષિત શહેર કહ્યું હતું. જો તે મુંબઈ અને મહારાષ્ટ્રના લોકોથી મુંબઈને ‘મિની પાકિસ્તાન’ કહેવાની બદલ માફી માગશે તો હું પણ વિચારીશ. શું તે અમદાવાદ વિશે આવું કહેવાની હિંમત કરશે? એમ તેમણે સવાલ કર્યો હતો.
સંજય રાઉતની ટિપ્પણી પછી ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે શિવસેના નેતાએ અમદાવાદને ‘મિની’ પાકિસ્તાન કહીને રાજ્યનું અને શહેરનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે તેમણે ગુજરાત અને અમદાવાદના લોકોની માગી માગવી જોઈએ.
શિવસેનાએ ગુજરાતીઓની ઇર્ષા ના કરવી જોઈએ
શિવસેનાએ ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતના નેતાઓની ઇર્ષા, નિંદા અને દ્વેષમાંથી બહાર આવવાની જરૂર છે. આ ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે. સરદાર પટેલે 562 રજવાડાં એકજૂટ કરીને ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત કરી છે. જૂનાગઢ અને હૈદરાબાદને પાકિસ્તાનમાં જતા અટકાવ્યા છે. સરદાર પટેલેની 370 આર્ટિકલને દૂર કરીને કાશ્મીરને દેશનું અવિભાજ્ય અંગ બનાવવાનું સપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પૂરું કર્યું છે, એટલે ભૂતકાળ અને વર્તમાનમાં ભારતની એકતા અને અખંડિતતા માટે ગુજરાતનું યોગદાનને યાદ રાખવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
