ભાવનગરઃ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે ૨૭ માર્ચે સોમવારે ભાવનગરના ઝવેરચંદ મેઘાણી સભાગૃહમાં ‘સમર્થ સમકાલીન’ સિતાંશુ યશશ્ચન્દ્રની સર્જકતા એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો. સિતાંશુ યશશ્ચન્દ્રની સર્જકતા વિશેના આ પરિસંવાદની ભૂમિકા ગુજરાતી ભવનના અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમારે કરી હતી. પ્રારંભે સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા ‘એક ખરી વાત’નો સમૂહપાઠ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા થયો. કવિ સિતાંશુ યશશ્ચન્દ્રે એમની કવિતાનો પાઠ કર્યો.
સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા વિશે સમીર ભટ્ટે અને સંશોધન વિશે હેમંત દવેએ રસપ્રદ વક્તવ્યો આપ્યાં. બીજી બેઠકમાં સિતાંશુ યશશ્ચન્દ્રના વિવેચન વિશે શિરીષ પંચાલનું વક્તવ્ય થયું. ત્રીજી બેઠકમાં સિતાંશુ યશશ્ચન્દ્રનાં નાટકોને રંગભૂમિની દ્રષ્ટિએ મહેન્દ્રસિંહ પરમાર અને સાહિત્યિક દ્રષ્ટિએ મહેશ ચંપકલાલે મૂલવ્યાં. ‘ભાઈબંધ સિતાંશુ’ વિશે પ્રબોધ પરીખનાં વક્તવ્ય પછી એમણે સાહિત્ય અકાદમી દિલ્હી માટે બનાવેલી ફિલ્મ ‘આ માણસ ગુજરાતી લાગે છે’નું નિદર્શન થયું.
‘સમર્થ સમકાલીન’ સિતાંશુ યશશ્ચન્દ્રની સર્જકતા વિશેના પરિસંવાદના સભાગૃહના પરિસરમાં, ભોજનકક્ષમાં કવિની કવિતાઓ ‘પ્રહલાદની પ્રાર્થના’, ‘લક્કડબજાર’, ‘હનુમાનની એકોક્તિ’ તથા ‘જટાયુ’ની એકોક્તિઓ ભવનનાં છાત્રો ફાલ્ગુની, શ્રદ્ધા, દીપક અને આકાશે રજૂ કરી એ કાર્યક્રમનું આકર્ષણ બની રહી. કવિ અને અધિકારી ભાવકોની હાજરીમાં ભજવાતી આ એકોક્તિઓ સૌએ વધાવી લીધી હતી.
આ કાર્યક્રમના પહેલાં રવિવારે ભાષાભવનમાં ‘કવિતાનું કેસર’ શીર્ષકથી આ કવિઓ અને ભવનના છાત્રોનું મિલન યોજાયું હતું. ભાષા સાહિત્યના વિદ્યાર્થીઓને સાહિત્ય સાથે અનુબંધ રચવામાં આવા વિશિષ્ટ કાર્યક્રમોનો મહિમા સૌ સાહિત્યપ્રેમીઓએ અનુભવ્યો. શિરીષ પંચાલ, પ્રબોધ પરીખ, સિતાંશુ યશશ્ચન્દ્ર જેવા અગ્રણી સાહિત્યકારોની હાજરીમાં જાણે એક સેતુબંધ રચાયો. ભવનનાં છાત્રોએ કરેલી સજાવટ તથા ભૂમિ, પાયલ, અંકિતા અને માનસીએ કરેલાં સભાસંચાલનો પણ પ્રશંસનીય રહ્યાં. પરિષદ મંત્રી સમીર ભટ્ટે સૌનો આભાર માન્યો હતો.