આંગણવાડી બહેનોને રાજ્ય સરકારે આપી મોટી ભેટ

ગાંધીનગર : આંગણવાડી બહેનોના આંદોલન બાદ આજે વિધાનસભા ગૃહમાં નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી હતી. રાજ્યની આંગણવાડી કાર્યકર, મીની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના વેતનમાં વધારો કર્યો છે. આંગણવાડી બહેનોના વેતનમાં 600નો વધારો કર્યો છે. તેડાગર બહેનોના વેતનમાં 300નો અને મીની આંગણવાડી બહેનોના વેતનમાં 300નો વધારો ર્ક્યો છે. આ લાભ રાજ્યની 53 હજાર 29 બહેનોને મળશે. આ માનદ વેતન માર્ચ 2020થી ચુકવાશે. માર્ચ 2019 થી ફેબ્રુઆરી 2020 સુધીનું એક વર્ષનું એરિયર્સ ત્રણ હપ્તામાં ચુકવાશે. જેના પરિણામે રાજ્ય સરકાર પર વધારાનું 112 કરોડનું ભારણ વધશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ખાતે નિયમ 44 હેઠળ જાહેર અગત્યની બાબત સંદર્ભે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરાયો છે. આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.600, તેડાગર બહેનોના વેતનમાં રૂ.300 અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.300નો વધારો કરાયો છે. રાજ્યની 53029 બહેનોને લાભ મળશે. આ વધારો માર્ચ 2020 થી ચુકવાશે અને વર્ષ 2019-20 સુધીનું એક વર્ષનું એરિયર્સ ત્રણ હપ્તામાં ચુકવાશે. આ માટે રાજ્ય સરકાર પર રૂ.112 કરોડનું વધારાનું ભારણ થશે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યની 53 હજાર 29 આંગણવાડીઓમાં આવતા અંદાજીત 33 લાખ બાળકોના સર્વાંગી વિકાસ અને મહિલાઓના પોષણ સ્તરને ઉંચુ લઇ જવાની કામગીરી કરતા આંગણવાડી કાર્યકરો અને તેડાગરો પોષણ સેવાના મહત્વનાં અંગ છે. તેઓ 6 વર્ષ સુધીની ઉંમરના બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકોને પૂર્વ શાળા શિક્ષણ આપવાની, પૂરક પોષણ આપવાની તથા અન્ય પાયાની મહત્વની કામગીરી કરે છે.

નીતિન પટેલે કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરોના સંગઠન તરફથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મારી સમક્ષ તથા મહિલા બાળકલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવા અને રાજ્યમંત્રી વિભાવરી દવે સમક્ષ આંગણવાડીઓમાં કામ કરતાં કાર્યકરો અને તેડાગરોના માનદ વેતનમાં વધારો કરવાની રજુઆત કરવામાં આવી હતી. આંગણવાડીની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહેલી બહેનોને વધુ સારું કાર્ય કરવા પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાતની 53000થી વધુ આંગણવાડીઓમાં કામ કરતા આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને મીની આંગણવાડીના કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

તેમણે ઉમેર્યું કે હાલમાં રાજ્યની 51229 જેટલી આંગણવાડીઓની કાર્યકર બહેનોને માનદ વેતન તરીકે માસિક રૂ.7200 મળે છે. તેમાં હવે માસિક રૂ. 600 નો વધારો કરી તેઓને રૂ.7800 માનદ વેતન આપવામાં આવશે. તેવી જ રીતે આંગણવાડી તેડાગર બહેનોને હાલ માનદ વેતન તરીકે રૂ.3650 આપવામાં આવે છે તેમાં દર મહિને રૂ.300 નો વધારો કરી માનદ વેતન રૂ.3950 આપવામાં આવશે. રાજ્યની 1800 જેટલી મીની આંગણવાડીની કાર્યકર બહેનોને માનદ વેતન રૂ .4100 ચુકવવામાં આવે છે તેમાં દર મહિને રૂ .300 નો વધારો કરી માનદ વેતન રૂ 4400 આપવામાં આવશે . આ વધારો 1 માર્ચ,2019 થી અમલમાં આવે તે રીતે આપવામાં આવશે .નીતિન પટેલે કહ્યું કે આંગણવાડીના કાર્યકર, મીની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવનાર આ વધારાનો ખર્ચ સંપૂર્ણપણે રાજ્ય સરકાર ચુકવશે. આ માટે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂ. 55.98 કરોડ જેટલો કાયમી વધારાનો ખર્ચ થશે.