અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી પર વાસણા ખાતે બેરેજ બનાવવામાં આવ્યો છે. બેરેજના દરવાજાના રીપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરાશે. આ કામગીરી 12 મે થી 5 જૂન સુધી ચાલશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે એક યાદીમાં જણાવ્યું છે કે, ‘વાસણા બેરેજમાં બંધ સુરક્ષાને ઘ્યાનમાં રાખીને ચોમાસા પૂર્વે કરવાના થતાં મરામતના કામના ભાગરૂપે દરવાજાનું સમારકામ કરાશે. આ કામગીરી 12 મે થી 5 જૂન દરમિયાન થશે. આ ઉપરાંત વાસણા બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી હાથ ધરાવવાની હોવાથી નદીને સંપૂર્ણ ખાલી કરવાની જરૂર છે. જેની કામગીરીનો 10 મેથી પ્રારંભ થઇ ગયો છે.
આ સમય દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નદીના પટને સાફ કરવાની કામગીરી હાથ ધરાશે. નદીના પટને સાફ કરવાની આ કામગીરી જનભાગીદારીથી કરાશે. આ કામગીરીને પગલે સુભાષ બ્રિજથી લઈ અને વાસણા બેરેજ સુધીની ભાગનો વિસ્તાર લગભગ ખાલી થઈ જશે. સુભાષ બ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનું કામગીરી ચાલી રહી છે, જેથી ત્યાંથી આગળના નદીથી બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો ભાગ ખાલી થશે.
ઉલ્લેખનીય છે કે, દેશની 13 સૌથી પ્રદૂષિત નદીમાં સાબરમતીનો પણ સમાવેશ થાય છે. જાણકારોના મતે સાબરમતી નદી બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડના લેવલના ગ્રેડમાં બીજા નંબરે છે. એટલે કે તે અતિ ભયજનક છે અને તેનું પાણી પીવાલાયક નથી રહ્યું. લોકો જળ પ્રદૂષણના કારણે મોટી સંખ્યામાં બીમાર થઇ રહ્યા છે. વર્ષ 2019માં સાબરમતી નદીની સફાઇ કરવામાં આવી ત્યારે તેમાંથી પાંચ દિવસમાં 500 ટન જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. અમદાવાદમાં નદી પ્રવેશે છે એ પહેલાં તેનાં પર 6 જેટલા નાના-મોટા ડેમ આવેલા છે. સાબરમતી નદી સફાઈ અભિયાન દરમિયાન એક પણ નેતા કે સરકારી અધિકારી નદીમાં ઠલવાતાં આ પ્રદૂષિત કેમિકલ કચરાને રોકવા કડક હાથે કામ લેવાશે એ અંગે બે શબ્દો પણ બોલતા નથી એ પણ હકીકત છે.
