અમદાવાદઃ 2010માં રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) કાર્યકર્તા અને સમાજસેવક અમિત જેઠવા (34)ની ધોળે દિવસે કરાયેલી હત્યા માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 2019માં જેમને અપરાધી ઠેરવ્યા હતા તે ભાજપના જૂનાગઢના ભૂતપૂર્વ સંસદસભ્ય દીનૂ બોઘા સોલંકીની આજીવન કેદની સજાને ગુજરાત હાઈકોર્ટે આજે સસ્પેન્ડ કરી છે. ન્યાયમૂર્તિઓ પરેશ ઉપાધ્યાય અને એ.સી. જોશીની બેન્ચે સોલંકીને શરતી જામીન પણ મંજૂર કર્યા છે. ન્યાયાધીશોએ કહ્યું કે સીબીઆઈ કોર્ટનું જજમેન્ટ ધારણાઓ પર આધારિત હતું અને પ્રાથમિક રીતે ચુકાદો ભૂલભરેલો હતો.
સોલંકીએ સીબીઆઈ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારતી અપીલ નોંધાવી છે. તે અપીલનો નિકાલ આવે ત્યાં સુધી સોલંકીની સજાને સસ્પેન્ડ કરવામાં આવી છે. કોર્ટે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે રાજ્ય પોલીસ સત્તાવાળાઓ કે સીઆઈડીએ અરજદાર સોલંકીનું નામ શરૂઆતમાં આરોપી તરીકે આપ્યું નહોતું. 2013માં જ્યારે આ કેસ સીબીઆઈને સુપરત કરાયો ત્યારે સીબીઆઈને તપાસમાં એવું માલુમ પડ્યું હતું કે સોલંકીને ત્યાં કામ કરનાર એક વ્યક્તિએ એમ કહ્યું હતું કે એણે સોલંકીને એવું બોલતા સાંભળ્યા હતા કે આ અમિત જેઠવાનું કંઈક કરવાની જરૂર છે.
જેઠવાને 2010ની 20 જુલાઈએ અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટની બહાર મોટરબાઈક પર સવાર થયેલા બે જણે ઠાર માર્યા હતા. જેઠવાએ ગીર અભ્યારણ્યમાં તેમજ તેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર ખાણકામ કરાતું હોવાનો RTI અરજીઓ દ્વારા પર્દાફાશ કર્યો હતો. તે ખાણકામમાં દીનૂ સોલંકી પણ સંડોવાયા હતા. 2010માં, જેઠવાએ ગેરકાયદેસર ખાણકામની વિરુદ્ધમાં જનહિતની અરજી નોંધાવી હતી. તેમાં દીનૂ સોલંકી અને એમના પિત્રાઈ શિવા સોલંકીને પ્રતિવાદી બનાવ્યા હતા. જેઠવાએ ગેરકાયદેસર ખાણકામમાં સોલંકીની સંડોવણી દર્શાવતા અનેક દસ્તાવેજો રજૂ કર્યા હતા. અરજી પર સુનાવણી ચાલુ હતી એ દરમિયાન જેઠવાને ઠાર મારવામાં આવ્યા હતા. તે પછી સીબીઆઈએ જેઠવાની હત્યાનું કાવતરું ઘડવા માટે સોલંકીને મુખ્ય આરોપી બનાવ્યા હતા.
હાઈકોર્ટે સોલંકીને એક લાખ રૂપિયાની કિંમતના પર્સનલ બોન્ડ અને એટલી જ રકમની એક શ્યોરિટી પર જામીન મંજૂર કર્યા છે. એ શરત રાખી છે કે એમણે કોર્ટની પરવાનગી મેળવ્યા વગર દેશની બહાર જવું નહીં.