ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ શીખ ધર્મના આદ્યગુરુ ગુરુ નાનક દેવજીની જ્યાં સ્મૃતિઓ સચવાયેલી છે, એવા કચ્છના લખપતમાં આવેલા પ્રથમ પાતશાહી ગુરુદ્વારા ઉપરાંત તેમના પ્રથમ પાંચ શિષ્યો પૈકીના એક ભાઇ મોખમસિંહજીના બેટ દ્વારકા ખાતે આવેલા ગુરુદ્વારાના કુલ રૂ.૧૦ કરોડના પુનરોદ્ધાર તથા નવીનીકરણને લગતા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો કે આ ગુરુદ્વારામાં શીખોની ધાર્મિક સંસ્કૃતિ ઉજાગર થશે અને માત્ર કોઇ એક જ ધર્મનું નહીં, તમામ લોકોને માટે આસ્થાનું કેન્દ્ર બનશે.
મુખ્યપ્રધાને ઉમેર્યું કે ગુરુ નાનકનું જીવન માત્ર શીખ સમાજ માટે નહીં પણ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. તેઓ સમગ્ર ભારતીય માટે આદર્શરૂપ છે. તેમાય ગુરુ ગોવિંદસિંઘજીએ ભારતીય સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિના ગૌરવ માટે તેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. ત્યારે, આવા વીરપુરુષોનો ઇતિહાસ ઉજાગર થાય એવું કરવાની સરકારની પણ જવાબદારી બને છે.
પ્રથમ પાતશાહી ગુરુદ્વારા અને બેટદ્વારકા ગુરુદ્વારામાં યાત્રિકોને માટે વિવિધ સવલતો ઉભી કરવામાં આવશે. જેથી યાત્રિકોને કોઇ પણ પ્રકારની મુશ્કેલીનો સમાનો કરવો નહીં પડે. લખપતના ગુરુદ્વારાના નવિનીકરણ માટે કુલ રૂ.૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે. બાકીની જવાબદારી શીખ સમુદાયે ઉપાડી લીધી છે.
મુખ્યપ્રધાને કચ્છના નાગરિકોને એવી ધરપત આપી હતી કે, આગામી સંક્રાંત સુધીમાં દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાના બે પ્લાન્ટ કચ્છમાં મુંદ્રા અને માંડવી ખાતે નાખવાની કામગીરીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. તે પાણીથી ખેતીમાં ક્રાંતિ આવશે.
વડાપ્રધાનની ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિના સભ્ય પરજીતકૌર છાબડાએ રાજ્ય સરકારનો આભાર માનતા કહ્યું કે, ૩૫૦ સાલાના ગુરુ ગોવિંદસિંઘ પ્રકાશવર્ષની ઉજવણીમાં મુખ્યપ્રધાને આ બે ગુરુદ્વારાનો વિકાસ કરવાની જાહેરાત કરી, તે પાળી બતાવી છે અને ગણતરીના દિવસોમાં તેની કામગીરી શરૂ કરી તે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે.
મુખ્યપ્રધાને પ્રથમ ગુરુદ્વારાના દર્શન કર્યા હતા અને બાદમાં લંગર પ્રસાદ ગ્રહણ કર્યો હતો. શીખ સમુદાય દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રથમ ગુરુનો પ્રથમ પ્રસાદ એટલે કે ગુરુનાનકજી સાથે જોડાયેલું ગુરુદ્વારા, જેને પ્રથમ પાતશાહી ગુરુદ્વારા કહેવામાં આવે છે. ગુરુ નાનકજી ઉદાશી એટલ કે ધાર્મિક પ્રસાર યાત્રા દરમિયાન લખપત આવ્યા હતા અને કેટલોક સમય અહીં વીતાવ્યો હતો. તેમની બીજી ઉદાશી ઇસવીસન ૧૫૦૬થી ૧૫૧૩ અને ચોથી ઉદાશી ૧૫૧૯ થી ૧૫૨૧ દરમિયાન તેઓ અહીં આવ્યા હતા. તેઓ લખપત બંદરેથી મક્કા ગયા હતા. આ પાતશાહી ગુરુદ્વારામાં તેમની ચાખડી, શણગારેલો હિંચકો સહિતની વસ્તુ દર્શાનાર્થે રાખવામાં આવી હતી.
બેટ દ્વારકા ગુરુદ્વારાનો ઇતિહાસ
જામનગર જિલ્લાના બેટ દ્વારકા ખાતે આવેલું ગુરુદ્વારા શીખોના પ્રાચીન ધર્મસ્થાનો પૈકીનું એક છે. આ ગુરુ દ્વારા ભાઇ મોખમસિંઘજી સાથે જોડાયેલું છે. ગુરુનાનકના પંજ પ્યારે એટલે કે પ્રથમ પાંચ શિષ્ય પૈકી એક ભાઇશ્રી મોખમસિંઘજી બેટ દ્વારકાના હતા અને ગુરુદ્વારાના સ્થળે તેમનો નિવાસ હતો.
ભગ્નનગર લખપત ઐતિહાસિક અને ભૌગોલિક ઘટનાઓને સંગ્રહીને બેઠું છે. સિંઘુ નદીના વહેણ આ નગર પાસેથી વહેતા હતા. એક સમયે લખપત બંદરેથી ભરપૂર નિકાસ થતી હતી. એવી ઉક્તિ પ્રચલિત છે કે લખપતમાં એક દિવસે રૂ. એક લાખ રૂપિયાના ભાત બનાવવામાં આવતા હતા. એટલા માટે નગરનું નામ લખપત પડ્યું છે. નગરને ફરતે કિલ્લેબંધી હતી. તે દિવાલો અને કોટ આજેય અજેય, અડીખમ છે. કચ્છ આવતા પ્રવાસીઓને લખપત આકર્ષે છે.
બેટ દ્વારકા દ્વાપરયુગ કાલિન છે. અહીં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળે એ માટે બંન્ને ગુરુદ્વારાના વિકાસ માટે રૂ.૫-૫ કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે. જેમાં નવું ગુરુદ્વારા, સંગ્રહાલય, કિચન, સ્ટોરરૂમ, લંગર હોલ, બગીચો, તળાવનો વિકાસ, ગેસ્ટહાઉસ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે. તેની સાથે પ્રવાસન સંલગ્ન રોજગારલક્ષી પ્રવૃત્તિને વેગ મળશે.