ગુજરાત સંરક્ષણ-એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ, નિર્મલા સીતારમણ રહેશે હાજર

ગાંધીનગર- ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં “મેક ઇન ઈન્ડિયા” પહેલના ભાગરૂપે ગુજરાતમાં સ્થાનિક કક્ષાએ સંરક્ષણ-ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી – 2016 જાહેર કરી છે. મજબૂત માળખાકીય સુવિધા અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિશાળ ફલકને ધ્યાને લેતા સંરક્ષમ સાધનોના ઉત્પાદન માટે રાજ્યમાં સાનુકુળ વાતાવરણ છે.

જેને ધ્યાને લઇને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019માં કેન્દ્રીય રક્ષાપ્રધાન નિર્મલા સીતારામન અને કેન્દ્ર સરકારના સંરક્ષણ સાધનોના ઉત્પાદન વિભાગના સચિવની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 18 જાન્યુઆરી 2019 ના રોજ ‘ઓપર્ચ્યૂનિટીઝ ફોર ઈન્ડસ્ટ્રી ઈન ડિફેન્સ એન્ડ એરોસ્પેસ’ વિષય પર વિશેષ સમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં ઉભરતી તકો વિશે ચર્ચા-વિચારણા કરવા માટે કેન્દ્ર સરકારના વરિષ્ઠ નીતિ નિર્માતાઓ, સંરક્ષણ ક્ષેત્રના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને શિક્ષણજગતના નિષ્ણાતોને એકમંચ ઉપર લાવવામાં આવશે.

આ સેમિનારમાં બે સત્ર યોજાશે. સંરક્ષણ સાધનોના ઉત્પાદનના કેન્દ્રીય સચિવ ડૉ. અજય કુમાર, ભારતી સેનાના વીએસએમ એડીસી, ડીસીઓએએસ (પી એન્ડ એસ) ના લેફ્ટનન્ટ જનરલ એસ. શાસ્બનીસ, કલ્યાણી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બાબા કલ્યાણી પણ  ઉપસ્થિત રહીને સેમિનારમાં સંબોધન કરશે.

એર માર્શલ આર.કે.ધીર

એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં ગુજરાતની ભૂમિકાની વિગત આપતાં નિવૃત્ત એર માર્શલ આર.કે.ધીરએ જણાવ્યું હતું કે, “મેક ઇન ઈન્ડિયા” પહેલના ભાગરૂપે ગુજરાતમાં સંરક્ષણ-ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી – 2016 ને જાહેર કરી છે. ગુજરાતના એન્જીનીયરીંગ ઉદ્યોગની આંતરિક શક્તિ તેમજ મોટી સંખ્યામાં MSME એકમોની હાજરીને ધ્યાનમાં રાખીને પોલીસીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનાથી સંરક્ષણ ઑફસેટ આવશ્યકતાઓ માટે વધુ સપ્લાય કરી શકાય છે. એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેકચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સલાહકારની નિમણૂંક કરનારું દેશભરમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે.

ધોલેરા સરના સીઈઓ જયપ્રકાશ શિવહરે

ધોલેરા સરના સીઈઓ જયપ્રકાશ શિવહરેએ આવનારા સમયમાં ધોલેરા ખાતે  સંરક્ષણ ક્ષેત્રે બહોળા વિકાસ અંગે જણાવ્યું હતું કે, “ગુજરાત અને ખાસ કરીને ધોલેરા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ માટેના વિશાળ સંલગ્ન જમીનની તક આપે છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં ઓપરેશનલ શિપબિલ્ડીંગ યાર્ડ્સ અને ડ્રાય ડોક્સ પણ છે. ભારતીય સંરક્ષણ સપ્લાય ચેઇનમાં ચાવીરૂપ કડી બનવા માટે ગુજરાત પાસે  કુશળ અને સઘન ઉત્પાદક ક્ષમતાઓ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ છે.

MSMEs કે જે મોટા પ્રાઇમ કોન્ટ્રાક્ટર્સને પાર્ટ્સ પૂરા પડે છે તેના ઉપરાંત ગુજરાતમાં એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં પ્રવેશવા કેટલીક મોટી કંપનીઓએ પણ રસ દાખવી રહી છે. જેમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T), રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ (RNAVAL), અદાણી એરો ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજિસ લિમિટેડ, જિવેલ એરોસ્પેસેન્ડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રીસીઝન કાસ્ટિંગ્સ લિમિટેડ (IPCL) વગેરે કંપનીઓનો  સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]