ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે, જેના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ તીવ્ર ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શ્રમિકોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ બપોરના સમયગાળા દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવાનો આદેશ જારી કર્યો છે. આ નિયમ જૂન 2025 સુધી લાગુ રહેશે.
શ્રમ આયોગના પત્ર મુજબ, બપોરે 1:00થી 4:00 વાગ્યા દરમિયાન શ્રમિકો પાસે કોઈ પણ પ્રકારનું કામ ન કરાવવું જોઈએ. ખાસ કરીને ખુલ્લી જગ્યાઓ, જેમ કે મોટા પ્લોટ પર થતા બાંધકામો, જ્યાં સૂર્યનો સીધો તાપ અસર કરે છે, તેવા સ્થળોએ કામગીરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનું પાલન તમામ નોકરીદાતાઓ અને શ્રમિકોએ જૂન 2025 સુધી કરવાનું રહેશે. આ નિર્ણય માર્ચ મહિનાના અંતથી શરૂ થયેલી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી શ્રમિકોને હીટસ્ટ્રોક અને અન્ય આરોગ્ય સમસ્યાઓથી બચાવી શકાય.
ગુજરાતમાં એપ્રિલના બે સપ્તાહ પૂરા થાય તે પહેલાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુરુવારે (10 એપ્રિલ) કંડલા એરપોર્ટ ખાતે રાજ્યનું સૌથી ઉંચું તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું, જે સતત ચોથા દિવસે વધ્યું હતું. રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં પણ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આગામી રવિવાર (13 એપ્રિલ) સુધી ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. આ દરમિયાન તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, સોમવાર (14 એપ્રિલ)થી ગરમીનું પ્રમાણ ફરી વધવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી છે કે 14 અને 15 એપ્રિલે ગુજરાતની સાથે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગરમીની નવી લહેર શરૂ થઈ શકે છે.
શ્રમ આયોગે શ્રમિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને નોકરીદાતાઓને પણ સૂચના આપી છે કે તેઓ શ્રમિકોને પર્યાપ્ત પાણી, ઠંડા પીણાં અને શરીરને ઢાંકી શકે તેવા હળવા કપડાંનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે. આ ઉપરાંત, કામના સ્થળે છાંયડો અને ઠંડક પૂરી પાડતી વ્યવસ્થા કરવી જોઈએ. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે. આ નિર્ણયનું શ્રમિક સમુદાયે સ્વાગત કર્યું છે, કારણ કે ગરમીના કારણે ખુલ્લામાં કામ કરવું અત્યંત જોખમી બની ગયું હતું. ખાસ કરીને બાંધકામ, રસ્તા બનાવવા અને અન્ય મજૂરીના કામોમાં રોકાયેલા શ્રમિકોને આ નિર્ણયથી મોટી રાહત મળશે. સરકારના આ પગલાથી શ્રમિકોના આરોગ્ય અને સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે.
