અમદાવાદઃ એચ. કે. આર્ટ્સ કોલેજના આચાર્ય હેમંતકુમાર શાહ દ્વારા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં મહાત્મા ગાંધીનાં 150 અવતરણના એક પુસ્તક ‘ગાંધી બોલે છે’ નું વિમોચન આજે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ અને જાણીતા કર્મશીલ ઇન્દુકુમાર જાનીના હસ્તે કરાયું.
આ પ્રસંગે બોલતાં કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે ગાંધીના વિચારો લોકો સુધી પહોંચે એનો આ પ્રયાસ પ્રશંસનીય છે. ગાંધી સત્ય અને અહિંસાના માણસ હતા કે જેની આજે તાતી જરૂર છે. ઇન્દુકુમાર જાનીએ કહ્યું હતું કે ગાંધી સમાનતા ઈચ્છે છે કે જે ભારતના બંધારણ માં પણ એક આદર્શ તરીકે દર્શાવાયો છે. સમાનતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવાની આવશ્યકતા છે.
હેમંતકુમાર શાહે જણાવ્યું હતું કે પુસ્તકમાં ધર્મ, સત્ય, અહિંસા, અર્થશાસ્ત્ર, લોકશાહી, સ્વતંત્રતા, સમાનતા, ઈશ્વર, રાજ્ય, પ્રાર્થના વગેરે વિષય વિશેનાં ગાંધીનાં વાક્યો ત્રણ ભાષામાં આપવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે ગાંધી. એટલે અન્યાય સામેનો સત્ય અને અહિંસા સાથેનો પ્રતિકાર.
તેઓ અન્યાય સામેની લડતનું પ્રતીક હતા. તેમણે ગરીબી અને અમીરી બંનેને સમાજના રોગ ગણાવ્યા હતા. શોષણ અને અન્યાય સામે લડતા ગાંધી આધુનિક સમાજ માટે આદર્શ છે અને આવનારા સમાજ માટે પથદર્શક બનશે. આ પુસ્તક શાશ્વત ટ્રસ્ટના પરાગભાઇ શાહના સહયોગથી અમદાવાદની એચ. કે. આર્ટ્સ કોલેજ દ્વારા પ્રકાશિત થયું છે.