રાજકોટની પાયલ મેટરનેટી હોસ્પિટલના CCTV હેકિંગ કાંડમાં મોટા ખુલાસા થયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની સંયુક્ત તપાસમાં બહાર આવ્યું છે કે આ કિસ્સામાં દેશવ્યાપી ગેરકાયદેસર નેટવર્ક કામ કરી રહ્યું હતું. હેક કરાયેલા સીસીટીવી ફૂટેજ ટેલીગ્રામ અને યુટ્યુબ પર વેચી લાખો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી હતી.
પોલીસ તપાસ દરમિયાન માહિતી મળી છે કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી સંકળાયેલા ત્રણ આરોપીઓ – પ્રજ્વલ તૈલી (લાતુર), પ્રજ પાટીલ (સાંગલી) અને ચંદ્રપ્રકાશ ફુલચંદ (પ્રયાગરાજ) – આ કૌભાંડમાં મુખ્ય ભુમિકા ભજવી રહ્યા હતા. તેઓ હેક કરાયેલા વીડિયો રૂ. 800 થી 4000 સુધીના રેટમાં વેચતા હતા.
8 મહિનાથી ચાલી રહેલું ગેરકાયદેસર નેટવર્ક
સીસીટીવી હેકિંગના આ કિસ્સામાં મુખ્ય આરોપી પ્રજ્વલ તૈલીએ છેલ્લા 8 મહિનામાં આશરે 10 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ હોસ્પિટલ ઉપરાંત બસ સ્ટેન્ડ, પાર્લર અને નદીના સ્નાન સ્થળો જેવા સ્થળોના CCTV કેમેરા પણ હેક કર્યા હતા. પોલીસની તપાસમાં વધુ ખુલાસા થયા છે કે આરોપીઓ પાસે 22 અલગ-અલગ પ્રકારના વીડિયો હતા અને યુટ્યુબ-ટેલીગ્રામ પર અલગ-અલગ ગ્રુપ ચલાવીને ગ્રાહકો પાસેથી પૈસા લેતા હતા. પ્રીમિયમ ગ્રુપ માટે વધુ પૈસા વસુલવામાં આવતા હતા.
વિદેશી હેકર્સની સંડોવણી
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે આ કિસ્સામાં આરોપીઓને એટલાન્ટા અને રોમાનિયાના હેકર્સની ટેકનિકલ મદદ મળી હતી. હેકિંગ માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસની કાર્યવાહી અને વધુ તપાસ
આ મામલાની ગંભીરતા જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાંચ અલગ-અલગ ટીમો બનાવીને આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી હાર્ડ ડિસ્ક, મોબાઇલ, લેપટોપ અને અન્ય ડિજિટલ પુરાવા જપ્ત કરાયા છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોના સંપર્કોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને ડિજિટલ સુરક્ષાને લગતા પગલાં લેવા અનુરોધ કર્યો છે.
