રાયપુરમાં 40 હજાર લોકો સાથે ‘મન કી બાત’નો બન્યો વિશ્વ રેકોર્ડ!

છત્તીસગઢની રાજધાની રાયપુરના મંડી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 138મા સંસ્કરણના સામૂહિક શ્રવણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલય પ્રભારી તરુણ ચુઘ સાથે આશરે 40 હજાર લોકોએ એકસાથે ઉપસ્થિત રહી કાર્યક્રમ સાંભળ્યો હતો. આટલી વિશાળ જનમેદનીની ઉપસ્થિતિને કારણે ‘ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ દ્વારા આ આયોજનને વિશ્વ રેકોર્ડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

 

આ અવસરે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનાં અધિકૃત સંવાદદાતા તેમજ જાણીતાં લેખિકા અને સમાજસેવિકા સોનલ રાજેશ શર્મા પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોનલ શર્માએ  પણ માત્ર 6 કલાકમાં 34 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સના ઇન્ટરવ્યુ અને આર્ટિકલ્સ લખીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યાં છે. તેઓ ‘દિવ્ય છત્તીસગઢ’નાં વિશેષ સંવાદદાતા હોવા ઉપરાંત રાયપુર જિલ્લાનાં 33 પોલીસ સ્ટેશનોમાં ચાઇલ્ડ કાઉન્સિલર તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલર તરીકે સક્રિય સેવાઓ આપી રહ્યાં છે. છેલ્લાં 15 વર્ષથી એમના સામાજિક-ધાર્મિક લેખો વિવિધ અખબારો તેમજ આકાશવાણી અને દૂરદર્શન પર પ્રસારિત થતા રહ્યા છે.

આ પ્રસંગે તરુણ ચુઘે જણાવ્યું કે ‘મન કી બાત’ એ માત્ર રેડિયો કાર્યક્રમ નથી પરંતુ જન-જન સાથે જોડાવાનું અને રાષ્ટ્રનિર્માણનું સશક્ત માધ્યમ છે. વિશ્વ રેકોર્ડ પ્રમાણપત્ર એનાયત કરતી વખતે સંસ્થાની અધિકૃત ટીમ સાથે સોનલ શર્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ભૂતકાળમાં ગુજરાત અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓના હસ્તે સન્માનિત થયેલાં સોનલ શર્માએ આ સફળ ઐતિહાસિક આયોજન બદલ સૌ કાર્યકરો અને જનતાને અભિનંદન પાઠવ્યા હતા.