સાબરકાંઠાના ખેડૂતોના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું

આમ તો ખેડૂતો અને વરસાદ પરસ્પર મિત્ર ગણાય છે. પરંતુ આ વર્ષે મેઘ મહેર માનો મેઘ કહેર બની ખેડૂતો પર વરસી હોય તેવા દ્વશ્યો સર્જાયા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં આ વર્ષે વધુ વરસાદને પગલે શાકભાજી સહિતનો મોટાભાગનો પાક નિષ્ફળ રહ્યો છે. આ વર્ષે સારા વરસાદને લઈને પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને ખાલી ખમ થયેલી નદીઓ, નાળા અને તળાવ પાણીથી ભરાઈ ગયા છે તો બીજી બાજુ વધુ વરસાદને લઈને ખેતીના વિવિધ પાકો ઉપર અસર જોવા મળી રહી છે અને ખેતરોમાં પાણી ભરાતા મોટાભાગનો પાક પાણીમાં ગરકાવ થતાં કોહવાઈ ગયો છે અને બચ્યો છે તે પણ પીળો પંજર પડી ગયો છે અને વિકાસ વગરનો થઈ ગયો છે.

ભારે વરસાદને પગલે પાક પર પાણી ફરી વળતા ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેર સહિત તાલુકામાં મોટાભાગે શાકભાજીમાં ફ્લાવર-કોબીજનો પાક થતો હોય છે. જેમાં મોટાભાગનો ફ્લાવર કોબીજનો ધરુ વરસાદી પાણીમાં કોહવાઈ ગયો છે. તો તૈયાર થયેલા પાકના ખેતરોમાં પાણી ભરાયેલુ રહેતા પાક કોહવાઈ ગયો છે. આ વર્ષે વધુ વરસાદને લઈને ધરતી પુત્રોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જ્યારે બીજી બાજું કપાસ, મગફળી, ડાંગર, દિવેલા, ગવાર સહિતના પાકો પણ કોહવાઈ જતાં ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો ધરતી પુત્રો દ્વારા સરકાર ખેતીનો સર્વે કરીને સહાય ચુકવે તેવી માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તૈયાર થયેલો પાક કોહવાઈ જતા ખેડ, ધરૂ, ખાતર, મજુરી સહિતનો ખર્ચ માથે પડયો છે.

બનાસકાંઠા સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટી નુકસાની ગયા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, કારણ કે આ વર્ષે લીલા દુકાળના કારણે અનેક જગ્યાએ ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ જતા ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.