ગુજરાતમાં આભમાંથી વરસ્યો કહેર, 21ના મોત, ખેડૂતોને ભારે નુકસાન

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં 48 કલાકથી લગાતાર મેઘરાજા મનફાવે તેમ વરસી રહ્યા છે. ભારે પવન સાથેના આ વરસાદે જાનમાલને ભારે નુકસાન પહોંચાડ્યું છે. રાજ્યમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, 45થી વધુ પશુઓના મોત નોંધાયા છે.

આ વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે. આણંદમાં તૈયાર થયેલા બાજરી અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વડોદરામાં બે ઇંચ વરસાદ પડતાં તુલસીવાડીના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. સૌરાષ્ટ્રના ભાવનગરમાં 2500 હેક્ટરમાં ફેલાયેલા કેરીના આંબાવાડીઓને મોટું નુકસાન થયું. મહુવામાં સાત ઇંચ વરસાદે વીજપુરવઠો ખોરવી નાખ્યો. પાલીતાણામાં પણ 2500 હેક્ટરમાં કેસર કેરીના આંબાને નુકસાન થયું.

હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદ હજુ થંભવાના મૂડમાં નથી. 8 મે, ગુરુવારે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં 50-60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી છે. 9 મેના રોજ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 10 અને 11 મેના રોજ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.