ગાંધીનગર- રાજ્યમાં છેલ્લાં ચોવીસ કલાકમાં મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ ૬૮ મી.મી. એટલે કે ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિદ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ મળીને તમામ ૧૧ જિલ્લાઓ અને કચ્છમાં વરસાદે વિરામ લીધો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૨૦ જુનના રોજ સવારે છ કલાકે પૂર્ણ થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો નથી. તે ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં ૨૦ મી.મી., બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૬ મી.મી., લાખણી તાલુકામાં ૧૩ મી.મી., મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં ૨૦ મી.મી., સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ૨૭ મી.મી., પોશીના તાલુકામાં ૨૩ મી.મી., વડાલી તાલુકામાં ૧૫ અને વિજયનગર તાલુકામાં ૧૭ મી.મી. વરસાદ વરસ્યો છે. એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો છે.
દક્ષિણ ગુજરાત ઝોનના સૂરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને નર્મદા સહિત સાત જિલ્લાઓમાં ૨૪ કલાક દરમિયાન એવરેજ ૨૯ મી.મી. વરસાદ વરસ્યો છે. જેમાં ભરૂચ, તાપી અને ડાંગ જિલ્લમાં ક્યાંય વરસાદ પડ્યો નથી. જ્યારે વલસાડના કપરાડા અને પાલડી, નવસારીના ચીખલી, જલાલપોર અને ખેરગામ, સુરતના ઉમરપાડા અને નર્મદાના ગરૂડેશ્વર તથા સાગબારા તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.
પૂર્વ મધ્ય ગુજરાત ઝોનના આઠ જિલ્લાઓ પૈકી અમદાવાદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો છે. જ્યારે પંચમહાલ જિલ્લના શહેરા તાલુકામાં ૨૭ મી.મી. એટલે કે એક ઇંચથી વધુ, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં અડધો ઇંચ, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં ૫ મી.મી., વરસાદ વરસ્યો હતો. આમ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૬ જિલ્લાઓના ૪૭ તાલુકઓમાં જ સામાન્ય વરસાદ વરસ્યો હતો.