ગુજરાતમાં 24 કલાકમાં 122 તાલુકામાં નોંધાયો વરસાદ..

પાછલા થોડા દિવસોથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો હતો. ત્યારે ગઈકાલે ગુજરાતમાં જાણે વરસાદે વિરામ લીધો હોય એવુ જોવા મળ્યુ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 122 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખંભાળિયા, મહુવા, અને ઉમરગામમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. રાજ્યના સિઝનના સરેરાશ વરસાદની વાત કરીએ તો 1 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીમાં 61.13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ બે આગામી બે દિવસ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.

 ઉલ્લેખનીય છે કે આજે સવારે અમદાવાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધવામાં આવ્યો હતો. શહેરના સુભાષબ્રિજ, સાબરમતી, આશ્રમરોડ, વાડજ, ઉસ્માનપુરા, આરટીઓ સર્કલ, શાહીબાગ, માધુપુરા, ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. તો બીજી બાજુ ધારી તેમજ ગીર કાંઠાના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે. ધારી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.

 

હવામાન વિભાગની આગાહી મુજબ આજે આખા ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ નહિવત રહેશે. ત્યાર બાદ 2જી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. તે સિવાય રાજ્યના અન્ય કોઈ ભાગ ઉપર ત્રણ દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની શક્યતાઓ નહીવત છે. ચોથા દિવસથી એટલે કે 3 ઓગસ્ટથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે એટલે કે અમદાવાદવાસીઓને આગામી 5 દિવસ ગરમી અને બફારો સહન કરવો પડશે કારણ કે, આજની આગાહી અનુસાર આગામી 5 દિવસ અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નથી.

રાજ્યનો સિઝનનો એવરેજ 61.13 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 75.51 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 84.99 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.32 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 43.89 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42.46 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદના કારણે તારાજીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંજાર તાલુકાના નીગાળ ગામમાં ત્રણ ભેસ ઉપર વીજળી પડી હતી. વીજળી પડતા ત્રણેય પશુઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.