અમદાવાદઃ શહેરના ઘીકાંટા વિસ્તારમાં જૂની કલેક્ટર કચેરીના ગીચ પ્રાંગણમાં ઈ-સ્ટેમ્પિંગ માટે લાંબી કતારો જોવા મળે છે, જેમાં સમયનો બગાડની સાથે કોરોનાના આ કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાતું નથી. ઘીકાંટા કોર્ટ અને જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં એક જ ઈ-સ્ટેમ્પિંગ સુવિધા કેન્દ્ર હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
ઘીકાંટા જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં કામ કરતા કેટલાક વકીલો કહે છે કે જૂની સ્ટેમ્પ આપવાની પદ્ધતિ સારી હતી. નવી ઈ-સ્ટેમ્પિંગની પદ્ધતિને કારણે ઘણાની લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. વળી, ઈ-સ્ટેમ્પિંગ માટે જઈએ ત્યારે વારંવાર સર્વર ડાઉન થઈ જાય છે.
કોર્ટનાં કામકાજ સાથે ત્રીસ કરતાં પણ વધુ સમયથી સંકળાયેલા પ્રકાશભાઈ ચિત્રલેખા.કોમને કહે છે કે આ બંને કેમ્પસમાં ઈ-સ્ટેમ્પિંગ માટે આવતા લોકોની સંખ્યા ખૂબ જ મોટી છે. મહત્ત્વનાં કામ બાજુએ મૂકી ઈ-સ્ટેમ્પિંગ માટે કતારોમાં ઊભા રહેવું પડે છે. જેથી માનવ કલાકો બગડે છે. ઝડપથી કામ થતાં નથી. લોકોની સગવડતા માટે ઊભી કરેલા ઈ-સ્ટેમ્પિંગની સુવિધા કેન્દ્ર પાસે જ લોકોને અસુવિધાઓનો સામનો કરવો પડે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)