ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યમાં ઓલા, ઉબર અને એપ્લિકેશન દ્વારા કેબ સર્વિસ આપતી કંપનીઓની ફ્લીટ 20,000 કેબ સુધી સીમિત કરવાનું પ્રપોઝલ આપ્યું છે. જો આ પ્રસ્તાવ લાગુ થાય તો આનાથી ઓલા અને ઉબરને ગુજરાતમાં નુકસાન થઈ શકે છે.
રાજ્યના ટ્રાંસપોર્ટ ડીપાર્ટમેન્ટના ડ્રાફ્ટ નોટિફિકેશનમાં આવી પ્રત્યેક કંપની માટે માત્ર એક લાઈસન્સ આપવાનું પ્રપોઝલ છે જેથી કંપનીઓ વધારે લાઈસન્સ લઈને 20,000ની કેબ લિમિટ પાર ન કરી શકે. મહત્વનું છે કે દુનિયાના ઘણા દેશોમાં એપથી કેબ સર્વિસ આપનારી કંપનીઓ પર લગામ કસવા માટે પગલા ભરવામાં આવ્યા છે અથવા તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આવા રેગ્યુલેશનના નિશાના પર ઉબર છે. ઉબર દુનિયાના 600થી વધારે શહેરોમાં પોતાનો બિઝનેસ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓલા ભારતના સૌથી સફળ સ્ટાર્ટઅપ્સ પૈકી એક રહી છે.
ભારતમાં દિલ્હીથી લઈને ઉત્તરપ્રદેશ સુધી ઘણા રાજ્ય એપ દ્વારા કેબ સર્વિસીઝ આપતી કંપનીઓ પર નિયંત્રણ લાવવા માટે કાયદો બનાવવાનો વિચાર કરી રહ્યા છે. મે મહિનામાં ઉબર અને ઓલાના હજારો ડ્રાઈવર્સે ઈન્સેન્ટિવ ઓછું કરવાના વિરોધમાં ઘણા દિવસો સુધી હડતાળ કરી હતી. અધિકારીક સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેબ કંપનીઓના ડ્રાઈવરોના અપરાધના મામલાઓમાં શામેલ થવાના કારણે આ પ્રપોઝલ આપવામાં આવ્યું છે. અત્યારે માત્ર આ ડ્રાફ્ટ છે અને આને અંતિમ સ્વરુપ આપતા પહેલા સ્ટેકહોલ્ડર્સની ભલામણો અને વાંધાઓ પર વિચાર કરવામાં આવશે.