દિલ્હીમાં શંકરસિંહનો PM મોદીને સીધો સવાલ: રાફેલ ડીલમાં કયા પ્રકારની ટ્રાન્સપરન્સી છે?

નવી દિલ્હી- લોકસભાની ચૂંટણીને લઈને શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સક્રિય થયા છે. અને ગઈકાલે તેઓ  અચાનક દિલ્હીના પ્રવાસે જવા રવાના થતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા આગામી સમયમાં તેમની રણનીતિને લઈને દિલ્હીના પ્રવાસે ગયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આજે પણ વાઘેલાએ મગનું નામ મરી ન પાડતાં એનસીપીમાં કે અન્ય કોઇ પક્ષમાં જોડાવાને લઇ કશું સ્પષ્ટ કર્યું ન હતું.

શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં આજે યોજેલી પત્રકાર પરિષદમાં વર્તમાન મોદી સરકાર પર પ્રહારો કર્યા  હતાં અને કહ્યું કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સરકારે તેના મેનિફેસ્ટોમાં પ્રજાને મોટા સપનાઓ બતાવ્યા હતાં તેનો આજે સાડા ચાર વર્ષમાં હજુ સુધી અમલ થયો નથી. સરકારે સાડા ચાર વર્ષનો હિસાબ આપવો જોઈએ.

શંકરસિંહ વાઘેલાએ મોદી સરકાની આયુષ્માન યોજના પર સીધુ નિશાન તાક્યું હતું. આ ઉપરાંત રાફેલ ડીલને લઈને કહ્યું કે વડાપ્રધાન ટ્રાન્સપરન્સી વાતો કરે છે, તો હું તેમને પૂછવા માગુ છું કે, રાફેલ ડીલમાં કયા પ્રકારની ટ્રાન્સપરન્સી છે.

આજે પણ દિલ્હી બેઠાં શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાં જોડાવા અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા તેમને ગાંધીનગર ખાતેના નિવાસસ્થાનેથી પત્રકારોને સંબોધ્યા હતાં. અને એનસીપીમાં જોડાવા મામલે સ્પષ્ટતા કરી હતી.

આગામી લોક સભા ચૂંટણીમાં પોતાની ભૂમિકાને લઇને શંકરસિંહ ભાજપ સરકાર સામે વિપક્ષોને એક કરવાના પ્રયાસ કરી શકે છે.

આ ઉપરાંત કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના આગેવાનો સાથે આગામી સમયમાં શંકરસિંહ મુલાકાત કરવાના છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પણ શંકરસિંહ મુલાકાત કરવાના છે. જો કે, શંકરસિંહ વાઘેલાએ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે,2017ની ચૂંટણી સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા શંકરસિંહ વાઘેલાએ પક્ષ સાથેથી છેડો ફાડ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]