‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ પ્રોગ્રામ હેઠળ રાજ્યની હસ્તકલાને પ્રોત્સાહન

નવી દિલ્હી: ODOP પહેલનો ઉદ્દેશ દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપીને દેશ અને તેના લોકોને આત્મનિર્ભર બનાવવા માટેના વડા પ્રધાનના વિઝનને સાકાર કરવાનો છે. આ કાર્યક્રમ દરેક જિલ્લામાંથી એક અનન્ય ઉત્પાદન પસંદ કરે છે, તેને બ્રાન્ડ બનાવે છે અને તેનો પ્રચાર કરે છે અને આ રીતે દેશમાં વિવિધ શ્રેણીની પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરે છે, જેમાં હેન્ડલૂમ્સ અને હેન્ડિક્રાફ્ટ સહિત વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) પ્રોગ્રામ એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT – ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રોત્સાહન માટેનો વિભાગ) હેઠળની એક પહેલ છે. આ પ્રોગ્રામે ગુજરાતની સ્વદેશી હસ્તકલા અને તેના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ગુજરાત સરકાર સાથે તેનો પ્રથમ સહયોગ જાહેર કર્યો છે. DPIITનાં સંયુક્ત સચિવ મનમીત નંદા તેમ જ રેસિડેન્ટ કમિશનર અને ગુજરાત સરકારના નાણાં વિભાગનાં સચિવ (આર્થિક બાબતો) આરતી કંવરે સંયુક્ત રીતે ગરવી ગુજરાત ભવનમાં ODOP વોલનું ઉદઘાટન કર્યું હતું.

આ લક્ષ્યાંકને વધુ સારી રીતે સાકાર કરવા માટે ODOP ની ટીમ આ દિશામાં કામ કરી રહેલી અન્ય સરકારી અને ખાનગી કંપનીઓ સાથે જોડાણ કરી રહી છે. ODOP-ગુજરાત ટીમ પાસે 68 યુનિક પ્રોડક્ટ્સનું એક સમૃદ્ધ કલેક્શન છે, જેમાં ગામઠી બ્લોક પ્રિન્ટ અને માતાની પછેડી જેવી પરંપરાગત હસ્તકલાથી માંડીને મગફળી અને જીરું જેવા કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

આ સહયોગનો હેતુ ગ્રાહકોને એમ્પોરિયા તરફ આકર્ષિત કરવાનો, વેચાણમાં વધારો કરવાનો અને ગુજરાતની પ્રોડક્ટ્સની દ્રષ્યતા વધારવાનો છે. ગરવી ગુજરાત ભવને ગુજરાતની હસ્તકલાને વધુ સારી રીતે પ્રદર્શિત કરવા માટે તેના આંતરિક ભાગમાં ODOP પ્રોડક્ટ્સને સંકલિત કર્યાં છે. ઉદાહરણ તરીકે, સુજાની હેન્ડલૂમ, જામનગરી બાંધણી અને પાટણના પટોળા માટે GeM (સરકારી ઈ-માર્કેટપ્લેસ) ઓનબોર્ડિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. વધુમાં, ખંભાત જિલ્લાના અકીકના પથ્થર અને ભરૂચ જિલ્લામાંથી સુજાની માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) વર્કશોપ તરફથી સપોર્ટ આપવામાં આવ્યો છે.