અમદાવાદ-રાજ્યની આગવી શાન જેવા એશિયાટિક સિંહોના અકાળ મોતનો મુદ્દો ખૂબ જ ચર્ચાયા બાદ રાજ્ય સરકાર દ્વારા સિંહ સંરક્ષણ મુદ્દે કેટલાક પગલાં લેવામાં આવ્યાં હતાં. જોકે સિંહોના અકાળે થયેલા અવસાન મુદ્દે કોર્ટ મિત્ર પાસે હાઇકોર્ટે એક અહેવાલ માંગ્યો હતો, કોર્ટ મિત્રે પોતાના અભ્યાસનો એક રીપોર્ટ તૈયાર કર્યો છે જેમાં કેટલાક ધ્યાન આપવાલાયક મુદ્દા તારણરુપે બહાર આવ્યાં છે. 9 મુદ્દાના આ ચોંકાવનારા રીપોર્ટમાં સિંહોના અકાળ મોતને રોકી શકાય તેવા અસરકારક પગલાં લેવા માટે મદદરુપ નીવડે તેવા સૂચનો આપ્યાં છે.
કોર્ટ મિત્રે આપેલાં નવ મુદ્દાઓના આ અહેવાલમાં સિંહોના મોત પાછળ ખુલ્લાં કૂવાઓ, રેલવે લાઇનની સમસ્યાઓ ઇલેક્ટ્રીક ફેન્સિંગ, રસ્તાઓ, ગેરકાયદે ખનન, ગેરકાયદે ચાલતાં લાયન શો અને ટ્રેકર્સની અછત જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કુદરતી રીતે મારણ માટે પશુઓની અછત. સિંહોનું રેડિયો કોલરીંગ અને જીપીએસ ટ્રેકિંગની સુવિધાના અભાવને પણ એમિક્સ ક્યૂરીએ ટાંકી છે. ટ્રેનની અડફેટે ચડીને મોત શરણ થતાં સિંહોને બચાવવા માટે પીપાવાવ જતી રાતની ટ્રેનો બંધ કરવી જોઈએ તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે.
સાથે એક સૂચન એવું પણ આપવામાં આવ્યું છે કે સિંહોના ગળામાં GPS સાથેનો રેડિયો કોલર બાંધવો જોઈએ જેથી તેમનું ટ્રેકિંગ સરળતાથી કરી શકાસે. ઉપરાંત વીજ શૉકથી સિંહોના મરવાના કારણને રોકવા ઇલેક્ટ્રોનિક ફેન્સિંગ કરનારા લોકોની માહિતી આપનારા લોકોને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ.
તો આ રીપોર્ટમાં અતિચર્ચાસ્પદ એવા ગેરકાયદે લાયન શો ચલાવનારા લોકો પર સખત કાર્યવાહી કરવાનું જણાવાયું છે અને આ ગુનાને બિનજામીનપાત્ર ગુના તરીકે દાખલ કરવામાં આવે તેવું સૂચન કરાયું છે. અન્ય એક સૂચનમાં ગીરમાં સિંહ શિકાર કરે છે તેવા પશુઓની સંખ્યા ઘટી હોવાનું પણ જાણવા મળે છે. સિંહોને કુદરતી ખોરાક ગીરમાં જ મળી રહે તે માટે આવા પશુઓની સંખ્યા વધારવા પણ સૂચન કરવામાં આવ્યું છે. સિંહ માટે પાણીની અછત હોવાનું પ્રાથમિક તારણ પણ છે, જેના માટે યોગ્ય સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો છે.