અમદાવાદઃ વિશ્વના સૌર ઊર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવ દર્શાવતી ઘટના તરીકે ભારતના વિઝનરી સોલર લીડર અને નેશનલ સોલર એનર્જી ફેડરેશન ઓફ ઈન્ડીયા(NSEFI)ના ચેરમેન પ્રણવ આર. મહેતાએ તા.1 જાન્યુઆરી 2019ના રોજ વોશિંગ્ટન ડીસી સ્થિત ગ્લોબલ સોલર કાઉન્સિલના ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળ્યો છે. ગ્લોબલ વોર્મીંગ સામે અને હવામાનમાં થતા ફેરફારો સામેની ઝૂંબેશ માટે રચાયેલી આ ખાનગી ક્ષેત્રની સ્વૈચ્છિક સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સૌર ક્ષેત્રે વિકાસને વેગ આપવાનો તથા તેનો દુનિયાભરમાં પ્રચાર-પ્રસાર કરવાનો છે. તે ISA, IRENA, REN21, Clean Energy Ministerial જેવી આંતરરાષ્ટ્રીય સરકારી સંસ્થાઓ સાથે હાથ મિલાવીને કામગીરી કરે છે.
પેરિસમાં તા.6 ડિસેમ્બર 2011ના રોજ યોજાયેલા સીમાચિન્હરૂપ UN COP21 સંવાદ વખતે શરૂ કરાયેલા જીએસસી એ ચીન, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, મીડલ ઈસ્ટ, ઈઝરાયેલ, બ્રાઝિલ, મેક્સિકો, તાઈવાન, મલેશિયા જેવા સૌર ઊર્જા પ્રવૃત્તિ ધરાવતા 30થી વધુ દેશોનું તથા આ દેશોની મોટી, મધ્યમ અને નાના કદની સૌર સંસ્થાઓનું સંગઠન છે. જીએસસીએ મ્યુનિક ખાતેની ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ સાથે જૂન 2018માં સોલાર મ્યુનિક દરમ્યાન જૂન 2018માં એક કરાર કર્યો છે અને સોલાર એગ્રીકલ્ચરલ પંપ, ક્ષમતા નિર્માણ તથા વિવિધ સોલાર એપ્લીકેશનનો ઉપયોગ વધારવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી છે. જીએસસીએ સમાન પ્રકારે IRENA સાથે કરાર કરીને IRENA કોએલિએશન ફોર એકશન અને તેની સ્ટિયરીંગ કમિટીઓમાં મહત્વની સંસ્થા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે.
પ્રણવ મહેતા ગ્લોબલ એનર્જી થોટ લીડર તરીકે ઉચ્ચ સન્માન ધરાવે છે. તેમણે જીએસસીમાં અગાઉ જીએસસી ચેર ઈલેકટ તરીકે તથા કો-ચેરમેન તરીકે પ્રારંભથી જ તેની પ્રવૃત્તિઓમાં આગેવાની પૂરી પાડી છે. પ્રણવ મહેતાને છેલ્લા બે વર્ષમાં ભારતમાં સૌર ક્ષેત્રે થયેલા અસરકારક વિકાસ અને અનુભવ અંગે તેમના વિઝનનો ખ્યાલ આપવા માટે 15થી વધુ દેશોમાંથી આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે જ્યારે ભારત ઝીરો મેગા વોટની સૌર ક્ષમતા ધરાવતું હતું ત્યારે સૌર ઉર્જા ક્ષેત્રે તેમની કામગીરીનો વર્ષ 2006 થી પ્રારંભ કર્યો હતો.
તેમણે સૌર ઉર્જાનું મહત્વ, તે તરફ ઝોક દર્શાવાવની કામગીરી અને ઓપીનિયન બિલ્ડીંગમાં મહત્વની અને ઉદ્દીપક તરીકેની કામગીરી બજાવીને સરકાર તથા ખાનગી ક્ષેત્રના લાભાર્થીઓને બૌધ્ધિક સહયોગ આપવામાં મહત્વની કામગીરી બજાવી છે. હાલમાં ભારતની ગણના દુનિયાના ટોચના 5 સોલર પ્લેયર તરીકે થાય છે અને તે ત્રીજા નંબરનું સૌથી મોટું સોલાર માર્કેટ છે.
પ્રણવ મહેતા એવો અભિપ્રાય ધરાવે છે કે “ભારતમાં સૌર ઉર્જા ક્ષેત્રે થયેલો વિકાસ વડાપ્રધાન અને તેમની સરકાર દ્વારા અમલી બનાવાયેલી સાનુકૂળ નીતિઓ, સરકારી તંત્રની સક્રિય ભૂમિકા તથા સૌર ઉદ્યોગની કંપનીઓ દ્વારા કરાયેલા મૂડી રોકાણ ટેકનોલોજી, રોજગાર નિર્માણ, કૌશલ્ય વિકાસ, ધીરાણની નવતર પદ્ધતિઓ અને એકંદરે ખર્ચમાં ઘટાડાને મળે છે.” મહેતા સાતત્યપૂર્ણ વિકાસ અને પર્યાવરણ અંગેની તેમની સામાજીક નિસ્બતને કારણે જાણીતા છે.
પ્રણવ મહેતાના સૌર ક્ષેત્રે વૈશ્વિક પ્રદાનનું બહુમાન કરીને ભારતની કીર્તિમાં વધારો કરવા બદલ સોલર ફ્યુચર ટુડે સંસ્થાએ તેમને ‘Visionary Disruptor Award’આપ્યો છે, જે શ્રી મહેતાનેતા.15 જાન્યુઆરી, 2019ના રોજ અબુધાબી ખાતે યોજાનારી વર્લ્ડ ફ્યુચર એનર્જી સમીટમાં એનાયત કરવામાં આવશે.
જીએસસીની ભાવિ યોજનાઓ અંગે વાત કરતાં પ્રણવ મહેતા જણાવે છે કે “મારૂં હૃદય ઊર્જાથી વંચિત લોકોની પડખે છે. વધુમાં સૌર ઊર્જા ગરીબી નિવારણ માટે પણ વ્યાપક ક્ષમતા ધરાવે છે. ગ્લોબલ સોલર કાઉન્સિલ ખાતે અમે માત્ર વૃધ્ધિ જ નહીં, પણ જ્યાં ઉર્જા પ્રાપ્ત નથી તેવા વિસ્તારોમાં સૌર ઉર્જાનો વ્યાપ વિશ્વભરમાં વિસ્તારવા માટે પ્રયત્નશીલ છીએ.
આ હેતુથી અમે ISA, IRENA અને વર્લ્ડ ગવર્નમેન્ટ જેવી સમાન વિચારણા ધરાવતી હકારાત્મક સંસ્થાઓનો સહયોગ મેળવીને 1.0 ટ્રિલિયન ગ્રીડઝની સિધ્ધિ હાંસલ કરવા પ્રયત્નશીલ રહેશું અને વર્ષ 2030 સુધીમાં 1.0 ટ્રીલિયન સોલર હોમ્સ અને 10.0 મિલિયન રોજગાર નિર્માણ હાંસલ કરવા માટે પ્રયત્નશીલ છીએ. આ બધી પ્રવૃત્તિઓ દ્વારા અમે 1 મિલિયન જેટલી રોજગારીનો ઉદ્દેશ ધરાવીએ છીએ અને ત્યાર બાદ આ પ્રવૃત્તિ વિસ્તારીને નવી સ્ટોરેજ અને અન્ય ટેકનોલોજીસનો વ્યાપ વિસ્તારીશું.”
‘ઉર્જાનો જ્યાં વપરાશ થતો હોય ત્યાં જ વિજળી પેદા થવી જોઈએ’ તેવું દ્રઢપણે માનનારા પ્રણવ મહેતા વર્ષ 2012 થી “ખેત ખેતપે સોલર” ની વિચારધારામાં માને છે. ખેડૂતો પોતાની જરૂરિયાત માટેની વિજળી પેદા કરે અને વધારાની વિજળી અન્યને આપે તે પ્રકારની વિચારધારા પ્રણવ મહેતાએ એનએસઈએફઆઈના નેજા હેઠળ 6 વર્ષ પહેલાં રજૂ કરી હતી. આ વિચારધારા હવે ભારત સરકારે KUSUM યોજના દ્વારા અને ગુજરાત સરકારે SKY યોજના દ્વારા અમલી બનાવી છે.
હાલમાં સૌર ઉર્જા ક્ષેત્રે પ્રવેશનારા નવા સમુદાયને સોલાર વિકાસ નીતિ શિખવવા અને તેની વિકાસ નીતિ ઘડવામાં ભારતે પૂરતો અનુભવ પ્રાપ્ત કર્યો છે. વધુમાં, ભારતમાંથી રિન્યુએબલ એનર્જી ઈક્વિપમેન્ટ અને સર્વિસીસની નિકાસ માટે વ્યાપક ક્ષમતા છે તેમ શ્રી મહેતા જણાવે છે.