અમદાવાદઃ CM દ્વારા ઔડાના રૂ. 285 કરોડના વિકાસકાર્યો લોકાર્પિત-ખાતમૂહુર્ત

અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આજે અમદાવાદમાં ઔડાના 285 કરોડ રુપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મૂહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ભાજપની સરકારે પ્રજાના પરસેવાનો એક એક પૈસો વિકાસ કામોમાં વપરાય તેવી પારદર્શી-ભ્રષ્ટાચાર રહિત અને સુઆયોજિત વ્યવસ્થા વિકસાવી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું  કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં યોજનાઓના ભૂમિપૂજન થતાં પણ વરસો સુધી કામો પૂર્ણ જ ન થતાં, અમે જેના ખાતમૂર્હત કરીયે તેના લોકાર્પણ પણ અમે જ કરીયે તેવી સમયબધ્ધ કાર્યયોજના ત્વરિત નિર્ણયશકિત અને પારદર્શીતા દર્શાવી છે.

મુખ્યપ્રધાને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાના વિકાસ કામો અંતર્ગત ઓઢવ બ્રિજનું લોકાર્પણ, શાંતિપુરા બ્રીજનું ભૂમિપૂજન, દહેગામ બ્રિજનું ભૂમિપુજન, શેલા ટાઉન હોલ ભૂમિપુજન, કઠવાડા ટાઉન હોલ ભૂમિપુજન, મણીપુર-ગોધાવી-ઘુમા ડ્રેનેજ લાઇન ભૂમિપૂજન, બોપલ ગાર્ડન તથા બાસ્કેટ બોલ કમ વોલીબોલ કોર્ટનું લોકાર્પણના વિકાસ કામોની ભેટ મહાનગરને ચરણે ધરી હતી.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરતનો વિકાસ દશે દિશાએ હવે ખીલ્યો છે અને દર ૧૦ કિ.મી.ના વિસ્તારમાં કોઇને કોઇ વિકાસ કામો થઇ રહ્યા છે. રાજ્યના વિકાસ માટે ૧ લાખ ૮ર હજાર કરોડ કરતાં પણ વધુ રકમનું વિકાસ બજેટ છે તે સંપૂર્ણપણે વપરાય અને સર્વગ્રાહી વિકાસથી ગુજરાતમાં વર્લ્ડ કલાસ ડેવલપમેન્ટની નેમ તેમણે વ્યકત કરી હતી.

મુખ્યપ્રધાને ભ્રષ્ટાચાર મામલે રાજ્યમાં ધરણા-વિરોધ કરીને મુખ્યપ્રધાનનું રાજીનામું માંગી રહેલા વિપક્ષ કોંગ્રેસને સ્પષ્ટપણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર સામે જંગે છેડયો છે અને મક્કમ પગલાંઓ લઇ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પ્રતિબધ્ધતા દાખવી છે ત્યારે જે લોકોને સત્તાના સપના આવે છે તેઓ વિરોધના ધરણા કરે છે.

મુખ્યપ્રધાને ઉમેર્યુ કે, કોંગ્રેસના શાસનમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને કારણે દેશ કૌભાંડોથી ખદબદતો હતો, તેમના નેતાઓને કૌભાંડોમાં CBI એ જેલમાં મોકલેલા અને કોંગ્રેસના MLA પ૦ કરોડની લાંચમાં આજે પણ જેલમાં છે ત્યારે કયા મોઢે તેઓ ભ્રષ્ટાચાર મૂદો ઉછાળીને રાજીનામાની માંગ કરે છે? ગુજરાતની જનતા જનાર્દને ર૩ વર્ષથી અમને સત્તા સોંપીને સેવાદાયિત્વની તક આપી છે તેને ભલિભાંતિ નિભાવતાં વિકાસ એ જ માત્ર એજન્ડા અને છેવાડાના માનવીના વિકાસ, ઉન્નતિ થાય, જ્યાં માનવી ત્યાં સુવિધાની નેમ સાકાર થાય તે માટે આ સરકાર કટિબધ્ધ છે તેમ વિજયભાઇ રૂપાણીએ વિપક્ષ પર સરસંધાન તાકતા જણાવ્યું હતું. 

મુખ્યપ્રધાને રૂ. ૫૭.૫૦ કરોડનાં ખર્ચે બનનાર ઓઢવ બ્રિજનું લોકાર્પણ, રૂ. ૯૪.૧૮ કરોડનાં ખર્ચે બનનાર શાંતિપુરા બ્રીજનું ભૂમિપૂજન, રૂ. ૬૦.૪૭ કરોડનાં ખર્ચે બનનાર દહેગામ બ્રિજનું ભૂમિપુજન, રૂ. ૨૯.૨૪ કરોડનાં ખર્ચે બનનાર શેલા ટાઉન હોલ ભૂમિપુજન, રૂ. ૨૯.૨૭ કરોડનાં ખર્ચે બનનાર કઠવાડા ટાઉન હોલ ભૂમિપુજન, રૂ. ૧૮.૩૭ કરોડનાં ખર્ચે બનનાર મણીપુર-ગોધાવી-ઘુમા ડ્રેનેજ લાઇન ભૂમિપૂજન, રૂ. ૨.૦૦ કરોડનાં ખર્ચે બનનાર બોપલ ગાર્ડન તથા બાસ્કેટ બોલ કમ વોલીબોલ કોર્ટનાં અંદાજીત રૂ. ૨૮૫ કરોડના કાર્યોનું લોકાર્પણ/ખાતમૂહૂર્ત ડીજીટલ રીતે કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]