પોરબંદર– પોરબંદરના દરિયા કિનારે ચોમાસાના કારણે ભારે હાઈ ટાઇડની સ્થિતિ સર્જાઈ છે. 2017માં 1500 કિલો હેરોઇનની હેરાફેરીમાં ઝડપાયેલી બોટ પોરબંદરના બંદર પર લાંગરવામાં આવી હતી, જે 16 જુલાઈને સોમવારે સવારે 7 વાગ્યે દરિયાના તોફાનથી લંગર છૂટી જતા પોરબંદરના જુના લાઈટ હાઉસ નજીક ફસાઈ ગઈ અને તેને જોવા લોકોના ટોળાં ઉમટ્યાં હતાં.
બોટ કિનારા પાસે ફસાઈ હોવાથી બોટમાં રહેલા 6 લોકો સમુદ્રમાં તરીને કિનારે આવી ગયા હતા. કોસ્ટ ગાર્ડ દ્વારા 27જુલાઈ 2017ના રોજ 1500 કિલો હેરોઇનના જથ્થાની હેરફેર કરતી આ હેનરી બોટને ઝડપી લીધી હતી. ત્યાર બાદ આ બોટને પોરબંદરના બંદર પર લાંગરવામાં આવી હતી.
આ બોટ માલિકે કહ્યું હતું કે સોમવારે સવારે આ ઘટનાની જાણ થતા પોર્ટ ઓફિસમાં મદદ માંગી હતી. સવારે 10.30 કલાકે કોસ્ટગાર્ડ ટીમ આવી હતી અને બોટમાં 6 લોકો હતા, તે કિનારે બોટ હોવાથી આસાનીથી કિનારા પર આવી ગયા હતા, પરંતુ કોસ્ટ ગાર્ડ દ્વારા શું કાર્યવાહી થઇ રહી છે, તે જાણવા મળી શક્યું નથી.