ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા સામે પોલીસની કડક કાર્યવાહી, બે દિવસમાં 137 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસે તાજેતરમાં સઘન અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ નશામાં વાહન ચલાવનારાઓથી લઈને રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેર પોલીસે “ડ્રીંક એન્ડ ડ્રાઈવ” વિરુદ્ધ ખાસ ઝુંબેશ દરમિયાન નોંધપાત્ર કાર્યવાહી કરી છે. 26 માર્ચ, 2025ના રોજ નશાની હાલતમાં વાહન હંકારતા 66 લોકો સામે એફઆઈઆર નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી. આ ઝુંબેશના ભાગરૂપે 25 અને 26 માર્ચના બે દિવસમાં કુલ 137 વ્યક્તિઓને પકડીને તેમની સામે કાનૂની પગલાં ભરવામાં આવ્યાં. પોલીસ કમિશનર જી.એસ. મલિકના નિર્દેશન હેઠળ 26 માર્ચે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ગોમતીપુર, બોડકદેવ, ખોખરા, વેજલપુર, બાપુનગર, જીઆઈડીસી, સરદારનગર, શહેરકોટડા, નારણપુરા, નિકોલ અને રામોલમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 23 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી. આમાંથી 13 વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કડક પગલાં લેવાયાં, જ્યારે 10 લોકોને શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યા. આનાથી શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

અમદાવાદમાં વધતા અકસ્માતો અને ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ સામે પણ કડક વલણ અપનાવ્યું છે. 21થી 23 માર્ચ દરમિયાન ચલાવાયેલી ખાસ ડ્રાઈવમાં 112 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી. અગાઉ દંડ ફટકારવા છતાં નિયમભંગ ચાલુ રહેતાં, હાઈકોર્ટના આદેશને પગલે હવે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે. શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુદૃઢ કરવા માટે પોલીસ કમિશનરે તાજેતરમાં મોટા પાયે બદલીઓ પણ કરી છે. એક જ પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 440 પોલીસકર્મીઓને શહેરના વિવિધ ટ્રાફિક પોલીસ સ્ટેશનો અને ડિવિઝનમાં ખસેડવામાં આવ્યા છે. આ પગલું ટ્રાફિક શાખાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે લેવાયું છે.