સુરત – આ શહેરમાં ચાલી રહેલા બાળ તસ્કરીના એક મોટા કૌભાંડનો કેન્દ્રીય ગુપ્તચર વિભાગ (આઈબી) દ્વારા આજે પર્દાફાશ કરવામાં આવ્યો છે. આઈબી અધિકારીઓએ આજે વહેલી સવારે શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો અને તસ્કરી કરીને લાવવામાં આવેલા 138 બાળકોને મુક્ત કરાવ્યા હતા. અધિકારીઓએ 35 માનવ તસ્કરોની ધરપકડ પણ કરી છે.
આઈબીને મળેલી બાતમી પ્રમાણે રાજસ્થાનથી ગરીબ બાળકોને મજૂરી માટે ગુજરાતમાં લાવીને એક જગ્યાએ બંધ કરીને રાખવામાં આવતા હતા. આ બાળકો પાસે સુરત સહિત ગુજરાતની વિભિન્ન શહેરોમાં મજૂરી કરાવવામાં આવતી હતી. સુરતમાં વહેલી સવારે પાંચ વાગે પાડવામાં આવેલા દરોડમાં એક રૂમમાં ઘેટા-બકરાઓની જેમ ગોધી રાખવામાં આવેલા 138 બાળકો મળી આવ્યા હતા.
રાજસ્થાન બાળ આયોગના જણાવ્યા મુજબ, કેન્દ્રીય આઈબી, રાજસ્થાન આઈબી ટૂકડીઓએ પુણા વિસ્તારના પોલીસોને સાથે રાખીને દરોડો પાડીને બાળ તસ્કરીના વિશાળ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
રાજસ્થાન બાળ આયોગના સદસ્ય શૈલેન્દ્ર પંડ્યાએ જણાવ્યું કે, “સસ્તામાં મજૂરી કરાવવા માટે અમારા બાળકોની તસ્કરી કરીને ગુજરાતમાં લાવવામાં આવતા હોવાનું અમને જાણવા મળ્યું હતું. અમને આ રેકેટની જાણ થતા અમે રેકી કરી હતી અને માનવ બચાવો આંદોલન હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. આ કામમાં સરકાર પણ અમારી સાથે સામેલ હતી અને આવનારા દિવસોમાં અમે વધારે બાળકોને બચાવીશું.
શૈલેન્દ્ર પંડ્યાએ જણાવ્યું કે, બાળકો પાસે સસ્તા દરે મજૂરી કરાવીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું હતું. બાળકો સવારે ટિફિન લઇને મજૂરી પર જતાં તે સાંજ સુધી પણ ઘરે પરત ફરતા નહતા.
‘ઓપરેશન બાળ સ્વરાજ’ હેઠળ બચાવવામાં આવેલા બાળકો ખૂબ જ નાની વયનાં છે. તસ્કરી કરીને લાવવામાં આવેલા બાળકોમાં મોટાભાગનાની ઉંમર 10 વર્ષથી લઇને 16 વર્ષની છે. આ તમામ બાળકો કાપડ સેક્ટરમાં મજૂરી કરતા હતા. અહેવાલ મુજબ, સુરતના પુણા પોલીસ સ્ટેશનના એક ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, અમને દિલ્હીની એનજીઓ ‘બચપન બચાવો આંદોલન’માં જોડાવવાની સૂચના મળી હતી. તેથી પોલીસ કમિશ્નરની સૂચના પ્રમાણે સુરત પોલીસના 60 જવાન, 2 અધિકારી આ સમગ્ર ઓપરેશનમાં જોડાયા હતા. હ્યુમન ટ્રાફિકીંગનું કૌભાંડ પકડી પાડવા રાજસ્થાન પોલીસ ઇન્સ્પેક્ટરને સાથે મળીને અમે માઇક્રો-પ્લાનિંગ કર્યું હતુ. 4-4 જણની 13 ટીમ તૈયાર કરીને અમે 128 બાળકોને છોડાવી લીધા હતા.
નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા અને બાળકો પરના અત્યાચારોની વિરુદ્ધમાં તથા બાળકોનાં અધિકારો માટે લડત ચલાવતા કૈલાશ સત્યાર્થીએ એમના ટ્વિટર ઉપર પણ જાણકારી આપી છે કે બચપન બચાઓ આંદોલન, રાજસ્થાન તથા ગુજરાત પોલીસે SCPCR સાથે મળીને આજે વહેલી સવારે પાંચ વાગ્યે સીક્રેટ રીતે દરોડો પાડ્યો હતો.