800 વર્ષ જૂના ઘરોને આ પ્રોફેસર આપી રહ્યા છે નવું જીવન

અલ્મોડાઃ દિલ્હી યૂનિવર્સિટીમાં ઈતિહાસના એસોસિએટ પ્રોફેસર નિર્મલ કુમાર 800 વર્ષ જૂના એવા ઘરોને શોધી રહ્યા છે કે જે ભૂકંપ પ્રતિરોધક છે. 55 વર્ષના નિર્મલ કુમાર અત્યારે ઉત્તરાખંડમાં ફરી રહ્યા છે અને આ પ્રકારના ઘરોને શોધીને તેને પૂનઃ વિકસિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. પ્રોફેસર નિર્મલ આ ઘરોને હોમ સ્ટેમાં બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેનાથી લોકોને કમાણી પણ થઈ શકે. આ ઘર બખોલી સ્ટાઈલમાં બનાવવામાં આવ્યા છે, જે સ્થાનિક સ્થાપત્ય કલા છે.

ગત મહિનાથી દરેક વિકેન્ડ પર પ્રોફેસર નિર્મલ કુમાર પહાડોમાં નિકળી જાય છે. જ્યારે તેઓ અલ્મોડામાં ખૂબ દૂર સ્થિત ગામડાંઓમાં જવા માટે બસમાં બેસે છે તો લોકો તેમને પુછે છે કે પલાયન બાદ લગભગ ખાલી થઈ ચૂકેલા ગામમાં તેઓ શું કરવા માટે જાય છે? ખૂંટ ગામ સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતનું ગામ છે.

પ્રોફેસર નિર્મલ કુમાર કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય માટે એક પ્રોજેક્ટ પર કામ કરી રહેલી ટીમને લીડ કરી રહ્યા છે. આ ટીમ સદીઓ જૂના આર્કિટેક્ચર પર બનેલા ઘરોને શોધવા માટે અને તેમને રિનોવેટ કરવાનું કામ કરી રહી છે. નિર્મલ કુમાર કહે છે કે, મારી ટીમમાં ચાર પ્રોફેસર, બે આર્કિટેક્ટ અને બે વિદ્યાર્થીઓ છે. અમે કુમાઉ ક્ષેત્રના આ ઘરોને આધુનિક ટેક્નિક અને પરંપરાગત રીતે સંરક્ષિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. આ તમામ ઘર બખોલી સ્ટાઈલમાં બનેલા છે કે જે ભૂકંપ પ્રતિરોધક છે.

બખોલી સ્ટાઈલના ઘર લગભગ 800 વર્ષ જૂના છે. આમાં એક જેવા ઘણા ઘરો લાઈનમાં બનેલા હોય છે, જેમાં સંયુક્ત પરિવારો રહે છે. આ તમામ ઘરોની છત એક જેવી જ હોય છે. આ ઘરોને થોડી ઉંચાઈ પર બનાવવામાં આવે છે. આની દિવાલો મોટી અને ઓછી વજનદાર હોય છે. છતની ઉંચાઈ પણ ઓછી હોય છે અને ટૂંકમાં આખુ ઘર એવું હોય છે કે ઘરનો નીચલો ભાગ ભારે અને ઉપરનો ભાગ હલકો હોય છે.

ઉત્તરાખંડમાં આ પ્રકારના 1700 ઘર છે, જેમાં રહેનારા લોકો નોકરીની શોધમાં બહાર ચાલ્યા ગયા છે. પ્રોફેસર નિર્મલ આવા ઘણા ઘરોને સંરક્ષિત કરવાના કામમાં લાગેલા છે. ખૂંટ ગામમાં 121 ઘર છે, જેમાંથી માત્ર 20 ઘર એવા છે કે જ્યાં લોકો રહે છે. ઉત્તરાખંડના ઘણાબધા લોકો નોકરીની શોધમાં બહાર જાય છે, જેને લઈને ગામડાઓમાં ખૂબ ઓછા લોકો બચ્યા છે. પ્રોફેસર નિર્મલે આ સમસ્યાને પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]