અમદાવાદઃ અષાઢી બીજના દિવસે શહેરના જગન્નાથ મંદિરે ઉત્સવનો માહોલ હોય છે. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજીના રથ નગરયાત્રાએ નીકળે છે. જગન્નાથજીની આ રથયાત્રામાં શાંતિ પૂર્ણ રીતે પસાર થાય એ માટે માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આવે છે.
શહેરના સંવેદનશીલ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ના બને એની પૂરે પૂરી તકેદારી રાખવામાં આવે છે. કોરોના રોગચાળો પછી યોજાઈ રહેલી રથયાત્રા પૂર્વે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
આ વર્ષે રથયાત્રામાં આધુનિક સાધનોનો ઉપયોગ કરાશે. બોડી વોર્નર કેમેરા અને ડ્રોન કેમેરા જેવાં સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. આ પેટ્રોલિંગમાં હેલિકોપ્ટર, સ્પેશિયલ વ્હીકલનો પણ ઉપયોગ કરાશે.અમદાવાદની રથયાત્રા જગન્નાથ પુરી પછીની આ સૌથી મોટી અને વિવિધતાથી ભરપૂર માનવામાં આવે છે. શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને સંવેદનશીલ બાબતોને ધ્યાનમાં રાખીને હોમગાર્ડઝના જવાનો, પોલીસ, એસ.આર.પી.એફ, સીઆરપીએફના જવાનોની જુદી-જુદી ટુકડીઓને મોટી સંખ્યામાં સુરક્ષા માટે ઉતારી દેવામાં આવી છે.
આજે ફૂટ પેટ્રોલિંગ વખતે રથયાત્રા પૂર્વે રૂટના કેટલાક માર્ગો વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયાં હતાં.
(પ્રજ્ઞેશ વ્યાસ)
