અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. સોમવારે પીએમ મોદી દિલ્હીથી સીધા જામનગર આવશે. ત્યારબાદ અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. લોકસભા ચૂંટણી જાહેર થતાં પહેલાંની તેમની આ ગુજરાત મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. લોકાર્પણ તથા અનેક સરકારી જાહેરાતો દ્વારા તેઓ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 અને 5 માર્ચ એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા અંગે તંત્ર સજ્જ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 4 અને 5 માર્ચેનો સમગ્ર કાર્યક્રમ મુજબ તેઓ 4 માર્ચ સવારે 10 કલાકે દિલ્હીથી નીકળી બપોરે 12 કલાકે જામનગર પહોંચશે. જ્યાં તેઓ 750 પથારીની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદઘાટન કરશે.
સૌની પ્રોજેકટનું પણ ઉદઘાટન કરશે. આ ઉપરાંત જામનગરમાં જનસભાનું પણ સંબોધન કરશે ત્યારબાદ બપોરે 1:30 કલાકે જામનગરથી રવાના થઇ અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યાંથી વિશેષ હેલિકોપ્ટરથી જાસપુર હેલિપેડ પર ઉતરી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, અહીં મા ઉમિયાના નિર્માણ પામનારા મંદિરનું ભૂમિ પૂજન કરશે.
સાંજે 4.30 વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરશે. ઉદઘાટન દરમિયાન તેઓ મેટ્રો ટ્રેનની મુસાફરી પણ કરશે. અહીં સાંજે એક કલાકનું રોકાણ કર્યા બાદ સાંજે 6 વાગે બી.જે. મેડિકલ કોલેજમાં પીએમ આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. જે બાદ તેઓ મોડી સાંજે 7.30 થી 8 વાગ્યા સુધી નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરેશ. નવી સિવિલનું લોકાર્પણ કર્યા બાદ તેઓ રાજભવન જવા રવાના થશે.
રાજભવનમાં રોકાણ દરમિયાન તેઓ સીએમ વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠક કરી શકે છે. જ્યારે કે બીજા દિવસે 5 માર્ચે મંગળવારે સવારે 10 વાગે અડાલજ ખાતે અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો બપોરે 12 વાગે અમદાવાદના વસ્ત્રાલમાં શ્રમયોગી યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ યોજનાનો આરંભ કરાવ્યા બાદ જનસભાને સંબોધશે. વસ્ત્રાલનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મોદી મધ્ય પ્રદેશના ઈન્દોર જવા રવાના થશે.