અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. તેમના નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે પીએમ મોદી વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં કેટલાક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.પીએમ મોદી વલસાડમાં આવાસ યોજનાના લાભાર્થીઓને સંબોધન કરશે. તો જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ તેમ જ ગાંધીનગરમાં ફોરન્સિક સાયન્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ભાગ લેશે.
23 ઓગસ્ટે વલસાડ જિલ્લાના જૂજવા ખાતે પીએમ મોદી આવી રહ્યા છે. જેની સંપૂર્ણ કામગીરીની તૈયારીઓ કરી દેવામાં આવી છે. વલસાડના જૂજવામાં તેઓ આવાસ યોજનાના 24 જિલ્લાના અંદાજિત 1400 કરોડના ખર્ચે બનાવાયેલા 1.11 લાખ આવાસ લાભાર્થીઓને ડિજિટલ માધ્યમ વડે ગૃહપ્રવેશ કરાવી સંવાદ કરશે.
સાથે જ ધરમપુર અને કપરાડા તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં પાણીની કાયમી સમસ્યાઓના ઉકેલ સ્વરૂપે 175 જેટલા ગામોને આવરી લેતી પાણી પુરવઠા યોજનાનું ડિજિટલ માધ્યમથી ખાતમૂર્હૂત કરશે. આ કાર્યક્રમ સુપેરે પાર પડે તે માટે તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે.