અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રી જામતી જાય છે. આજે ચોથું નોરતું છે. રાજ્યમાં તમામ નાનાં-મોટાં શહેરો અને ગામડાઓમાં પાર્ટી પ્લોટમાં અને ક્લબોમાં નાના-મોટા રાસ-ગરબાનાં આયોજનો થતાં હોય છે, પણ આ ગરબાનાં આયોજનોમાં પણ છેતરપિંડી થવા લાગી છે. ભાડજમાં ગરબાના આયોજનમાં ખેલૈયાઓ રઝળી પડ્યા હતા, કેમ કે રાતોરાત પાર્ટી પ્લોટમાં આયોજકોએ રાસ-ગરબાનું આયોજન બંધ કરી દીધું છે. રાજ્યમાં ક્યાંક નકલી પાસનો પણ વેપાર થઈ રહ્યો છે.
શહેરના ભાડજ વિસ્તારમાં આયોજકોએ રાસ-ગરબાના નવ દિવસના પાસ તો વેચ્યા હતા, પણ ખેલૈયાઓ રાસ-ગરબા રમવા પાર્ટી પ્લોટમાં પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે અહીં ગરબાનું આયોજન બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાંભળીને ખેલૈયાઓ ખૂબ હતાશ થયા હતા અને ખરીદેલા પાસના પૈસા પરત આપવાની માગ કરી રહ્યા હતા. અહીં એક દિવસના પાસની કિંમત રૂ. 499 રાખવામાં આવી છે. ત્યારે આવી મોટી રકમ વસૂલ્યા બાદ પણ ગરબા ન રમાતા ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમનો ગુસ્સો સાતમા આસમાને હતો, કેમ કે રમવાની મજા અધૂરી રહી ગઈ અને પૈસા જવાથી છેતરાવાની લાગણી થઈ હતી.
આ ગરબાના પાસ પર જગદીપ મહેતા કે જેઓ ઓર્કેસ્ટાના સંચાલક છે, તેમને અને કલાકારોને આજે સવારે જ ગરબા માટે આવવાની ના પાડવામાં આવી હતી. તેમને આ વિશે કોઈ વધુ માહિતી ના હોવાનું તેમણે જણાવ્યું હતું.
શહેરરના SP રિંગ રોડ પર આવેલા સાયન્સ સિટી સર્કલ પાસે એટ 7 સીઝના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ત્રીજા દિવસે ખેલૈયાઓને ગરબા ન રમાડવામાં આવતાં ભારે હંગામો થયો હતો. આમ પૈસાથી પાસ ખરીદીને ખેલૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા, ત્યારે ગરબા સ્થળે પહોંચીને ખબર પડી કે ગરબા રમાડવાના નથી. ત્યારે પાસના રૂપિયા વસૂલીને પણ ગરબા ન રમાડવામાં આવતા ખેલૈયાઓ રઝળી પડ્યા હતા.