ગાંધીનગરઃ આવતીકાલે પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે સુભાષ પાલેકરના અભિગમ પર એક ખેતી વિષયક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. પદ્મશ્રી સુભાષ પાલેકરની હાજરીમાં યોજાનાર આ કાર્યશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યપ્રધાન વિજય રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. એ જાણી લો કે, ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ’ પદ્ધતિ કૃત્રિમ ખાતરો, જંતુનાશકો વગર અને સ્થાનિક ખેત સામગ્રીથી ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંત આધારિત છે. આ પદ્ધતિના જીવામૃત, બીજામૃત, આચ્છા’દન, વાપશા એમ મુખ્ય ચાર આધારસ્થંભો છે. રાજ્યના ખેડૂતો સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ આ ખેતી અપનાવતા થયા છે જેમાં ખેડૂતોનો ખેત સામગ્રીનો ખર્ચ ઘટતાં એકંદરે આવકમાં વધારો થાય છે.આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે અને પદ્મશ્રી ડૉ. સુભાષ પાલેકર તરફથી ઓછા ખર્ચની પ્રાકૃતિક ખેતીની સમજ અને જરૂરીયાત અંગે માર્ગદર્શન આપવામાં આવશે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર ઓછા ખર્ચની પ્રાકૃતિક ખેતી બાબતે નીતિ આયોગનો અભિગમ રજૂ કરશે. હિમાચલ પ્રદેશ રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અમલમાં છે. જેના એકઝીકયુટીવ ડાયરેકટર પ્રો. રાજેશ્વરસિંઘ ચંડેલ પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવાના કાર્યક્રમનું અમલીકરણના અનુભવો રજૂ કરશે. પ્રાકૃતિક ખેતી વિશેષ નિષ્ણાંતો તથા ખેડૂતો પોતાના મંતવ્ય રજૂ કરશે.
મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કાર્યશાળામાં પ્રધાન મંડળના સભ્યો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવકુમાર, સાંસદો, ધારાસભ્યો, કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્ર, કૃષિ યુનિવર્સિટી તેમજ ખ્યાતનામ સંસ્થાઓના પ્રોફેસર, કૃષિ વૈજ્ઞાનિકો, ડેરી સંઘ તથ સહકારી સંગઠનના હોદ્દેદારો, રાજ્યના કૃષિ અને સહકાર વિભાગના તેમજ ક્ષેત્રિય કૃષિ વિસ્તરણ તંત્રના અધિકારીઓ/ કર્મચારીઓ, કૃષિ સંબંધિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સામાજિક સંસ્થાઓના કાર્યકરો અને પ્રગતિશીલ ખેડૂતો મળીને આશરે ૮,૦૦૦ જેટલા લોકો ભાગ લેશે.