કાયમી ભરતીના હક્ક માટે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત્, PTના દાવ કરી કર્યો વિરોધ

ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માગણી સાથે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં ગત 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી નિમણૂક થઈ નથી, અને સરકારે હાલની કરાર આધારિત નીતિ બંધ કરીને કાયમી ધોરણે ભરતી હાથ ધરવી જોઈએ. આ માગણીઓને લઈને 27 માર્ચ ગુરુવારે વ્યાયામ વીરોએ ગાંધીનગરમાં PTના દાવ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો.

ગાંધીનગરમાં 500થી વધુ વ્યાયામ શિક્ષકો 11 મહિનાના કરાર આધારિત ખેલ સહાયકની ભરતી રદ કરીને કાયમી નિમણૂકની માગણી સાથે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે. બુધવારે (26 માર્ચ, 2025) તેઓએ વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને અટકાયતમાં લીધા. આજે ગુરુવારે તેઓએ PTના દાવ કરીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો. આ દરમિયાન “કરાર પ્રથા બંધ કરો, વ્યાયામ શિક્ષકોની ભરતી કરો, હમારી માગે પૂરી કરો” જેવા નારા લગાવતા તેઓ કસરત કરતા જોવા મળ્યા.

વ્યાયામ શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT) યોજી હતી, જેમાં 5,000 જગ્યાઓ માટે BPE, BPED, MPED-MPE જેવી લાયકાત ધરાવતા 1,700 ઉમેદવારો પાસ થયા હતા. હાલ 1,465 ખેલ સહાયકોનું રિન્યુઅલ થયું છે, પરંતુ 3,100થી વધુ જગ્યાઓ હજુ ખાલી પડી છે. આંદોલનકારીઓની માગ છે કે કરાર આધારિત ભરતીને બદલે તાત્કાલિક કાયમી નિમણૂક કરવામાં આવે. વિરોધ કરતા શિક્ષકોનો આક્ષેપ છે કે રાજ્યમાં ધોરણ 1થી 8માં વ્યાયામ શિક્ષકોની ભરતી જ થતી નથી. તેઓએ ગયા એક વર્ષથી સરકારને રજૂઆતો કરી છે અને અનેક અરજીઓ આપી છે, પરંતુ કોઈ પરિણામ ન મળતાં તેઓ ગાંધીનગરમાં રેલી અને આંદોલનનો રસ્તો અપનાવી રહ્યા છે. તેઓની માગ છે કે પ્રાથમિક શાળાઓમાં પણ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી શરૂ કરવામાં આવે. આંદોલન દરમિયાન વ્યાયામ વીરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી છે. વિધાનસભા તરફની કૂચ દરમિયાન પોલીસે તેમને ઢસડીને વાહનોમાં નાખી અટકાયત કર્યા હતા, જેનાથી આંદોલન વધુ તીવ્ર બન્યું છે.