પાકિસ્તાને બે બોટ, 12 માછીમારોનું અપહરણ કર્યું

દ્વારકાઃ પાકિસ્તાને ફરી એક વાર અવળચંડાઈ કરી છે. પાકિસ્તાન મરીને ભારતીય બે બોટ અને 12 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે. IMBL નજીકથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ બંને બોટ ઓખાની હોવાની શક્યતા છે. આ પહેલાં પણ બે બોટ અને 12થી વધુ માછીમારોના અપહરણની ઘટના બની હતી. પાકિસ્તાને છેલ્લા દસ દિવસમાં છ બોટ અને 40 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે.

આ અગાઉ પાકિસ્તાની કોસ્ટ ગાર્ડે 29 જાન્યુઆરીએ ભારતીય જળ સીમા નજીકથી પોરબંદરની એક બોટ સહિત સાત માછીમારોનું અપહરણ કર્યું હતું . તુલસી મૈયા નામની બોટનું ભારતીય જળ સીમામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. બોટ વત્સલ પ્રેમજી થાપણિયાની માલિકીની હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ તુલસી મૈયા નામની બોટ ઓખાથી માછીમારી કરવા માટે રવાના થઇ હતી. આ બોટમાં સાત ખલાસીઓ હતા. જોકે બોટનું એન્જિન દરિયામાં ખરાબ થઇ જતા બોટ મધદરિયે ફસાઈ હતી.

રાજ્યનાં દરિયા કિનારા પર લાખો લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માછીમારી કરવા માટે માછીમારો હંમેશાં ભારતીય સીમામાં છે તેટલા વિસ્તારમાં માછીમારી કરતા હોય છે. જોકે વારંવાર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા માછીમારોનું ગેરકાયદે રીતે અપહરણ થતું હોય છે.