અમદાવાદ – ભારતમાં સ્ટ્રેટેજિક માર્કેટિંગ અને કમ્યુનિકેશન માટેની અગ્રગણ્ય મેનેજમેન્ટ સ્કૂલ ગણાતી MICA સંસ્થાએ તાજેતરમાં અહીં તેની છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કમ્યુનિકેશન મેનેજમેન્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. એ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પેશકશ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં 72 વર્ષીય સમકાલીન નૃત્યકાર અસ્તાદ દેબૂએ અદ્દભુત સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યો હતો. એમનો ડાન્સ જોઈને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
અસ્તાદ દેબૂએ 3 પરફોર્મન્સ રજૂ કર્યા હતા. પહેલા એમણે એક નાટ્યકૃતિ રજૂ કરી હતી ‘આહવાન’. એમાં તેમણે દ્રુપદ ગાયન શાળામાં તાલીમ લેનાર ઈટાલીયન ગાયિકા અમેલિયા કુની દ્વારા રેલાવેલા હૃદયસ્પર્શી સંગીતની ધૂનો પર પરફોર્મ કર્યું હતું.
એમનો બીજો પરફોર્મન્સ હતો, ‘સ્ટેપિંગ આઉટ’ શીર્ષક સાથેની ક્રીએટિવ કોરિયોગ્રાફી. જેમાં રોશની, પડછાયા તથા મુદ્રણના સમન્વય સાથે દેબૂએ એમની નૃત્ય કળા પ્રસ્તુત કરી હતી. બર્લિનથી આવેલા જાણીતા સેક્ઝાફોનિસ્ટ ગર્ટ એન્કરે સેક્ઝાફોન વાદ્ય પડે સંગીત પિરસ્યું હતું.
આખરી પરફોર્મન્સ હતો ‘એવરી ફ્રેગમેન્ટ ઓફ ડસ્ટ ઈઝ અવેકન્ડ.’ જે રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓ પ્રેરિત હતો. અસ્તાદ દેબૂએ એમાં પણ તેમની કળા દ્વારા શ્રોતાઓને પ્રભાવિત અને આનંદિત કર્યા હતા. જાપાનીઝ સંગીતના સૂરોએ શ્રોતાઓનાં મન ડોલાવી દીધા હતા.
અસ્તાદ દેબૂની નૃત્ય રચના ભારતના એ સમયની છે જ્યારે ભારતીય નૃત્યમાં નવીનતા આવકાર્ય નહોતી.
નૃત્ય પરફોર્મન્સ બાદ દેબૂનું એક શાલ અને મહાત્મા ગાંધીજીનાં હસ્તાક્ષર દર્શાવતી એક ભરતકામ ગૂંથેલી ગિફ્ટ આપવામાં આવી હતી.
અસ્તાદ દેબૂને ભારત સરકારે બે પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજેશ કર્યા છે. 1995માં એમને સંગીત નાટક એકેડેમી સંસ્થા તરફથી ક્રીએટિવ ડાન્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને 2007માં એમને ભારતીય નૃત્યના ક્ષેત્રમાં પાયાનું પ્રદાન કરવા બદલ ‘પદ્મશ્રી’ ખિતાબથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.