અમદાવાદ: મહારાષ્ટ્રમાં આરે કોલોનીમાં વૃક્ષોને કાપવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો. હાલ આ સમાચારને લઈને દેશમાં ખુબ ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં પણ વૃક્ષોની કાપણીનો આંકડો ચોકાવનારો છે. છેલ્લા 5 વર્ષમાં સરાકારે વિકાસની વિવિધ યોજનાઓના નામ પર 6,51,403 વૃક્ષોને જળમુળની કાપી નાખ્યા છે. નવાઇની વાત તો એ છે કે,મેટ્રો ટ્રેન, સ્ટેટ હાઇવે સહિતના પ્રોજેક્ટ માટે લીલા વૃક્ષો કાપવા ખુદ સરકારે જ મંજૂરી આપી હતી.
ગુજરાત સરકારે વિકાસમાં આગળ રહેવાની આકાંક્ષાઓને કારણે પર્યાવરણની ચિંતાને નેવા મુકીને લીલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું. મહત્વનું છે કે, અમદાવાદમાં હાલ મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યુ છે આના માટે અત્યાર સુધીમાં માત્ર અમદાવાદમાંથી જ 30 હજારથી વધુ વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં છે. રાજ્ય સરકારે પોતે આ વાતની કબુલી છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ વૃક્ષો બચાવો ના નારા આપી રહી છે, જ્યારે ગુજરાતમાં એજ સરકારે વૃક્ષો કાપવાની વાત સ્વીકારી છે.
રાજ્યસરાકરે વર્ષ 2017-18માં જુનાગઢમાં 16,224, નવસારીમાં 19,271, સુરતમાં 23,673, તાપીમાં 20,177, ભરૂચમાં 13,630, વલસાડમાં 21,789 વૃક્ષો કાપવા સરકારે મંજૂરી આપી હતી. આજ સરકારે અમદાવાદમાં આ વર્ષે એક પણ વૃક્ષ કાપવાની સ્વીકૃતિ નથી આપી પણ 2016-17માં 12700 લીલા વૃક્ષોનું નિર્દયતાથી નિકંદન કાઢ્યું હતુ. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ લીલા વૃક્ષો કાપી નંખાયા છે. એક બાજુ રાજ્ય સરકાર પર્યાવરણ બચાવોની સુફિયાણી વાતો કરે છે ને,બીજી તરફ, આ જ સરકાર લીલા વૃક્ષોનો ખો કાઢી રહી છે.