અમદાવાદઃ ઉતરાયણના પર્વ આડે એક મહિનો બાકી રહ્યો છે. ચૂંટણીને કારણે પતંગ બનાવવાના વ્યવસાયમાં તેમ જ ખરીદીમાં થોડો સમય બ્રેક લાગી ગઈ હતી. રાજ્યમાં પતંગોત્સવની છેલ્લાં બે વર્ષથી પતંગરસિયાઓ રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં પતંગોત્સવ યોજવા સરકારે ઉત્સાહપૂર્વક આયોજન કર્યું છે. રાજ્યના પ્રવાસન વિભાગે પતંગ ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી છે. આ વખતે પતંગોત્સવ રાજ્યના ચા શહેરી વિસ્તારમાં યોજાશે. રાજ્યમાં આઠ જાન્યુઆરી, 2023થી 14 જાન્યુઆરી, 2023 સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. આશરે 65થી 70 દેશોના લોકો પતંગોત્સવમાં ભાગ લે એવી વકી છે. આ પહેલાં કોરોના રોગચાળાને કારણે વર્ષ 2021 અને વર્ષ 2022માં કાઇટ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 8થી 14 જાન્યુઆરીમાં રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. રાજ્યના જાણીતા કલાકારો પતંગોત્સવમાં પર્ફોર્મન્સ કરશે. ગુજરાતની લોકકલાને ઉજાગર કરતા વિવિધ કલાકારો પતંગ ઉત્સવમાં ભાગ લેશે. આ ઉપરાંત પતંગોત્સવમાં સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે.
આવતા વર્ષે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટની થીમ રાખવામાં આવશે. રાજ્યમાં G-20 સમિટની 15 બેઠકો વિવિધ સ્થળો પર યોજાવાની છે. દેશ સૌપ્રથમ વાર G-20 સમિટની યજમાની કરી રહ્યો છે, જેથી G-20 સમિટના કેટલાક અંશો પતંગ ઉત્સવમાં જોવા મળશે.
અમદાવાદના રિવરફ્રન્ટમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યમાં વડોદરા, સુરત અને રાજકોટમાં પતંગોત્સવ ઊજવાશે. વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પતંગોત્સવ યોજવા અંગે આયોજન કરવામાં આવ્યું છે.