અમદાવાદઃ કેન્દ્ર સરકારના સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટ્રપ્રુનરશિપ અંતર્ગત કાર્યમ કરતી સંસ્થા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)ની વિશિષ્ટ હેતુ સંસ્થા NSDC ઈન્ટરનેશનલ લિમિટેડે ગુજરાતની ગણપત યૂનિવર્સિટી સાથે પરસ્પર સહમતિ ધરાવતા પ્રમાણિત પાઠ્યક્રમો અંગે એક સમજૂતી કરાર કર્યો છે.
NSDC ઈન્ટરનેશનલ લિમિટેડ મુખ્યત્વે કૌશલ્યવાન અને પ્રમાણિત પ્રતિભાશાળી વ્યક્તિઓને ભારતમાંથી અન્ય દેશોમાં આંતરરાષ્ટ્રીય શ્રમિક સ્થળાંતરણ સહિતના આંતરરાષ્ટ્રીય સહયોગમાં સક્રિય છે. સાથોસાથ, તે આંતરરાષ્ટ્રીય સ્તરે સલાહકાર સેવા પણ પ્રદાન કરે છે.
ગણપત યૂનિવર્સિટી બહુવિદ્યાશાખા ધરાવતી યૂનિવર્સિટી છે, જેની સ્થાપના ગુજરાત સરકારે એક ખાનગી યૂનિવર્સિટી તરીકે કરી છે.
આ યૂનિવર્સિટી વિવિધ ક્ષેત્રોમાં ડિપ્લોમા, અન્ડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને રિસર્ચ પાઠ્યક્રમ પ્રસ્તુત કરે છે. કૌશલ્ય વિકાસ પાઠ્યક્રમોમાં આ યૂનિવર્સિટી અગ્રેસર છે. ઉલ્લેખનીય છે કે ભારતની પ્રથમ ઈન્ડિયા જાપાન ઈન્સ્ટિટ્યૂટ ફોર મેન્યૂફેક્ચરિંગ ગણપત યૂનિવર્સિટીમાં સક્રિય છે. મારુતિ સુઝૂકી ઈન્ડિયા લિમિટેડ અને જાપાન સરકારના સહયોગમાં આનો આરંભ કરવામાં આવ્યો છે.