અમદાવાદઃ ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનૉલોજી (ગુજકોસ્ટ) અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા સંયુક્ત રીતે 10 ડિસેમ્બર 2021ના રોજ નોબેલ પુરસ્કાર દિવસની ઉજવણી અંતર્ગત નોબલ પરિતોષિકની વિવિધ વિજ્ઞાન શાખાઓ વિષે સંવાદક સત્રો (ઈંટરેક્ટિવ સેશન્સ)ની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. દિવસભર ચાલનાર આ ઉજવણીમાં ગુજરાત સાયન સિટીમાં સ્ટોકહોમ, સ્વીડન ખાતે યોજાનાર નોબલ પ્રાઇઝ એવોર્ડ ઉજવણીના લાઈવ સ્ટ્રીમીંગ સાથે વિચાર પ્રેરક સત્રોની રજૂઆત થશે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકોને નોબેલ પુરસ્કારના મહત્વ વિષે તેમજ નોબલ પુરસ્કાર વિજેતાઓ અને તેમના અગ્રણી કાર્યો વિષે માહિતગાર કરવાનો છે. 250થી વધુ ભાગ લેનારાઓ આ ઉજવણીમાં જોડાશે.
આ વર્ષે 10 જણને નોબેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવનાર છે, જેમાં કેમિસ્ટ્રી, પીસ (શાંતિ), અને મેડિસિનના ક્ષેત્રોમાં દરેકના બે વિજેતાઓ છે જ્યારે ફિઝીક્સમાં ત્રણ અને સાહિત્ય ક્ષેત્રે 1 વિજેતા છે.
ઇન્સ્ટિટ્યુટ ઓફ એડ્વાન્સ રિસર્ચ (IAR)ના ડો. બુધીસાગર તિવારી, ઇંડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT)ના ડૉ. વિમલ મિશ્રા તથા ઇંડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એડ્યુકેશન (IITE)ના ડો. હેમાંગ પ્રજાપતિ શ્રોતાઓને નોબેલ પરિતોષિક વિજેતાઓ વિષે માહિતગાર કરશે.
આ દરમિયાન, આલ્ફ્રેડ નોબેલના જીવનને પ્રકાશિત કરતી ફિલ્મ અને પુરસ્કાર આપવા પાછળના હેતુની જાણકારી દર્શકોને મોહિત કરશે. સાયન્સ સિટીના ઓડિટોરિયમ-1 ખાતે સાંજે સ્વીડનમાં યોજાનાર નોબેલ પરિતોષિક વિતરણનું ગુજકોસ્ટ યુટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ગુજરાત સાયન્સ સિટી અને ગુજકોસ્ટ દ્વારા નોબેલ પારિતોષિક અંતર્ગત સમીક્ષા, નોબેલ પુરસ્કાર સંશોધન પર જૂથ ચર્ચા, નોબેલ પ્રાઇઝ ફિલ્મ સ્ક્રિનિંગ, માર્ગદર્શક સાથે થીમ પેવેલિયનનો પ્રવાસ, ટેલિસ્કોપ દ્વારા આકાશદર્શન જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષે 10 ડિસેમ્બરે આલ્ફ્રેડ નોબલની પુણ્યતિથિ નિમિતે નોબેલ પુરસ્કાર દિવસ ઉજવાય છે. વિજેતાઓને સ્વીડિશ રાજા તરફથી પુરસ્કાર આપવામાં આવે છે. બધા જ નોબલ પરિતોષિક સ્ટોકહોમ, સ્વીડનમાં અપાય છે જ્યારે નોબલ શાંતિ પુરસ્કાર ઓસ્લો, નૉર્વે ખાતે આપવામાં આવે છે.