સૂરત: આતંકી સંગઠન લશ્કર એ તોયબા-હાફીઝ સઈદ સાથે સંકળાયેલા બે યુવકોના સૂરત સ્થિત ઘર પર વલસાડ એનઆઈએ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રથમવાર એનઆઈએની સૂરતમાં થયેલી આ પ્રકારની કાર્યવાહીને પગલે ચકચાર મચી ગઈ હતી.
જાણવા મળ્યાં મુજબ મોસ્ટ વોન્ટેડ આતંકી હાફીઝ સઈદની લશ્કરે તોયબા સાથે સંકળાયેલ ફલહ-એ- ઈન્સાનિયત ફાઉન્ડેશનનો ફંડિગનો મામલો સામે આવ્યો હતો.જે અંતર્ગત 5 રાજ્યમાં તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા વલસાડ બાદ સૂરતના અડાજણ પાટિયા વિસ્તારમાં નદીમ પાનવાલાના ઘેર દરોડો પાડવામાં આવ્યો હતો.
વધુ વિગત પ્રમાણે વલસાડમાં રહેતા મુસ્લિમ વેપારીના 15 વર્ષથી દુબઇમાં રહેતાં ભાઇએ હવાલા મારફતે રાજસ્થાનમાં મોકલેલા પાંચ કરોડ રૂપિયા સંદર્ભે આ તપાસ કરવામાં આવી રહી છે. વલસાડ એનઆઇએની ટીમે સૂરતમાં અડાજણમાં રહેતા નદીમ પાનવાલાના ઘરે દરોડો પાડ્યાં હતાં જેમાં મોટાપ્રમાણમાં દસ્તાવેજો કબજે કર્યાનું જાણવા મળી રહ્યું છે
રાજસ્થાનના નાગોરના કુચમાન શહેરના રહેવાસી મોહમદ હુસેન મોલાની ઉર્ફે બાબલો અબ્દુલ હમીદ મોલાનીની એનઆઈએ દ્વારા 21મી જાન્યુઆરીએ ધરપકડ કરાઇ હતી. હવાલા ઓપરેટર મનાતો મોલાની ટેરર ફન્ડિંગનું નેટવર્ક પણ ચલાવતો હોવાની માહિતી મળતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. મોલાની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં હોય એવી વ્યક્તિઓને ઘેર અને સંસ્થાઓની ઓફિસે દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
એનઆઇએ દ્વારા વલસાડના ખાટકીવાડમાં રહેતાં અગરબત્તીનો ધંધો કરતા ઝૂબેર ગુલામ બશીર ધરમપુરીયાના ઘરે પણ ગયા બુધવારે તપાસ કરાઇ હતી. ઝૂબેરનો ભાઇ આરીફ ધરમપુરીયા 15 વર્ષથી દુબઇ ખાતે એક પાકિસ્તાની ઇસમની મોબાઇલ એજન્સીમાં નોકરી કરે છે. આરીફે દુબઇથી કરેલા નાણાકીય ટ્રાન્ઝેક્શન શંકાના પરિઘમાં આવતાં દરોડો પડાયો હતો. આ બાબતે ઝૂબેર ધરમપુરીયાએ માધ્યમો સમક્ષ જણાવ્યું કે, તેઓ રોજ કમાઇને રોજ ખાવાવાળા માણસ છે અને તેમનો ભાઇ દુબઇમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. એન.આઇ.એ.ની ટીમ, બંને ભાઇઓના બેંકોની પાસબૂક તથા ચેકબૂકો કબજે કરી હતી.
ઉત્તરપ્રદેશના ગોંદા, રાજસ્થાનના સિકર અને જયપુર, દિલ્હી અને કેરળના કાસરગોડ ઉપરાંત ગુજરાતના વલસાડ અને સૂરતમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ તપાસ દરમિયાન 3 વિદેશી સહિત 26 સીમકાર્ડ, પાંચ મેમરી કાર્ડ, એક કોમ્પ્યૂટર ડેસ્ક, પાંચ હાર્ડ ડિસ્ક, એક પેનડ્રઇવ, એક ડીવીઆર, એક સીપીયુ, આઠ પાસપોર્ટ, નવ ડેબિટ કાર્ડ, એક લેપટોપ, રોકડા 21 લાખ રૂપિયા અને બે કિલો જેટલું સોનું મળી આવ્યું છે. તે ઉપરાંત દરેક સ્થળેથી શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યાં છે.