નવતર પ્રયોગઃ આ રાખડીઓ તુલસીનો છોડ ઉગાડશે

અમદાવાદઃ ભારતીય સંસ્કૃતિ અનુસાર ગાય કામધેનુ છે. ગાયને પૂજનીય ગણવામાં આવે છે. ગૌમૂત્ર અને છાણ પણ ઉપયોગી છે. ગાયના છાણમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. અગરબત્તી, દીવડાં, કૂંડા, ઈંટો અને ખાતર જેવી અનેક ચીજવસ્તુઓ ગાયના છાણમાંથી બનાવામાં આવે છે. અમદાવાદના અસલાલી પાસેના ‘ગો સત્વ’એ એક નવતર પ્રયોગ કર્યો છે, જેમાં ગાયના છાણમાંથી રાખડી તો બનાવવામાં આવી છે, પણ જ્યારે એ રાખડી જેણે પહેરી હોય એને કાઢી નાખવામાં આવે ત્યારે એની ઉપર ચોંટાડલા બીજને રોપતાં એમાંથી તુલસી ઊગે. આ રાખડી બાંધવામાં આવે તો અસંખ્ય તુલસીના છોડ ઊગે અને પર્યાવરણને પણ ફાયદો થાય.

ગાયના છાણમાંથી રાખડીએ રાખડીમાં ચોંટાડવામાં આવેલા બીજમાંથી તુલસી. આ વિશે ‘ગો સત્વ’ના રિંકલ પટેલ ચિત્રલેખા. કોમને કહે છે, આપણે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવાની વાત કરીએ છીએ. આ સાથે પર્યાવરણ સાથે સંવર્ધનની વાત પણ કરીએ છીએ. ગો સત્વમાં બનેલી આ રાખડીઓ સંપૂર્ણ સ્વદેશી છે. જેમાં ચાઇનીઝ માલ નથી. પ્લાસ્ટિક કે અન્ય પર્યાવરણને હાનિ પહોંચાડે એવી કોઈ સામગ્રી નથી.

આ રાખડી ગાયના છાણમાંથી બનાવતી વખતે તુલસીનાં બીજ તો નાખવામાં આવે છે. આ સાથે શાકભાજીનાં બીજ પણ ચોંટાડવામાં આવે છે. જ્યારે રાખડી પહેર્યા પછી જેતે વખતે છોડી કૂંડા કે અન્ય જગ્યાએ રોપ્યા બાદ શાકભાજી ભલે ના ઊગે પણ તુલસી તો ઊગે જ. જેનાથી બાળકોને પણ ખ્યાલ આવે કે આ કુદરતી પવિત્ર વસ્તુ છે. જેને જમીન કે માટી સાથે જોડવાથી છોડ થાય.

ગૌ સત્વના કેમ્પસમાં કામ કરતી બહેનો કહે છે કે..130 જેટલી ગાયો સતત સંગીત સાંભળતી હોય છે.  એની વચ્ચે જ્યારે ગાયના છાણમાંથી બહેનો રાખડી બનાવતી હોય ત્યારે ભાઈ માટેનો રક્ષાનો આ દોરો પવિત્રતાની સાથે વધુ મજબૂત થઈ જાય.

(પ્રજ્ઞેશ વ્યાસ)