અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન જે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે, તેમાં વીએસ હોસ્પિટલના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ અમદાવાદ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. વડાપ્રધાન ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યા બાદ સાંજે 4 વાગ્યે અમદાવાદમાં વીએસ હોસ્પિટલના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ કરશે. વીએસ હોસ્પિટલની અંદર બનાવાયેલી નવી હોસ્પિટલ બિલ્ડિંગનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ રાખવામાં આવ્યું છે.
પીએમ મોદી વી.એસ.સંકુલમાં બનેલી સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલનું ઉદઘાટન કરશે. આ એક જ બિલ્ડિંગમાં 1500 બેડ અને હેલિપેડ ધરાવતી હોય તેવી દેશની પહેલી હૉસ્પિટલ છે. આ હૉસ્પિટલનાં નિર્માણ પાછળ રૂપિયા 750 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 18મી જાન્યુઆરીથી આ હૉસ્પિટલ શરૂ કરવામાં આવશે. હૉસ્પિટલની ઊંચાઈ 78 મીટર છે અને અહીં એક જ બિલ્ડિંગમાં 1500 પથારી અને હેલિપેડ છે.
આ હૉસ્પિટલ 7.5ની તીવ્રતાનાં ભૂકંપ અને 170 કિ.મીની ઝડપથી ફૂંકાતા વાવાઝોડાનો પણ સામનો કરી શકે છે. હૉસ્પિટલ RCC અને સ્ટીલફ્રેમનાં બાંધકામથી તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન 4.34 લાખ ટન થાય છે. આ હૉસ્પિટલમાં 20 લિફ્ટની વ્યવસ્થા છે. દરેક લિફ્ટની ક્ષમતા 20 લોકોની છે. લિફ્ટ એક ફ્લોર સુધી પહોંચવા માટે ફક્ત 1 સેકેન્ડનો સમય લે છે.
આ હૉસ્પિટલમાં 90 ઓપીડી કન્સલ્ટેશન રૂમ અને દરેક વોર્ડમાં દર્દી સાથે 1 વ્યક્તિ રહી શકે તેવા બેડ અને સ્ટોરેજની વ્યવસ્થા હશે. હૉસ્પિટલમાં યૂટીલિટી સેન્ટર હોસ્પિટલની નીચે રાખવાને બદલે એક નવા જ બિલ્ડિંગમાં ઉભું કરવામાં આવ્યું છે. આ હૉસ્પિટલમાં જનરલ વિભાગ માટે 300 રૂપિયા, સ્યૂટ રૂમ માટે 2500 રૂપિયા, ડિલક્સ રૂમ માટે 2000 રૂપિયા અને સેમિ ડિલક્સ માટે 1500 રૂપિયા દૈનિક ચુકવવા પડશે.
ઓપીડી માટેની મુલાકાત ફી 100થી 300 રૂપિયા રાખવામાં આવી છે અને ફરી વખત તપાસ કરાવવા આવો ત્યારે 50થી 200 રૂપિયાનો ચાર્જ લાગશે. ઇમરજન્સી કેસમાં 150 રૂપિયા અને ડાયેટ માટે મુલાકાત લેવી હશે તો 100 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે. સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં સામાન્ય ઑપરેશન અને જનરલ બેડ માટે 3 હજાર રૂપિયા તેમજ સ્પેશિયલ બેડ માટે 10 હજાર રૂપિયા ચાર્જ થશે.
મેજર ઑપરેશન માટે જનરલ બેડનાં 5 હજાર રૂપિયા, સ્પેશિયલ બેડનાં 30 હજાર રૂપિયા ચાર્જ લાગશે. તો સુપર મેજર ઑપરેશન માટે જનરલ બેડ માટે 8 હજાર અને સ્પેશિયલ બેડ માટે 50 હજાર રૂપિયા ચાર્જ લાગશે.
વીએસ હોસ્પિટલના નવા સંકુલનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન 5:20 વાગ્યે વીએસ હોસ્પિટલથી વલ્લભસદન રિવરફ્રન્ટ જવા રવાના થશે. અહીંયા તેઓ સાંજે 5:30 વાગ્યે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. 5:30 થી 6:30 વાગ્યા સુધીમાં વડાપ્રધાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના ઉદ્ઘાટનનો કાર્યક્રમ પતાવીને 6:35 વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે.