ગાંધીનગર- ગુજરાત સરકાર દ્વારા સરકારની વિવિધ સેવાઓ, સગવડો અને સહાય લોકોને સહેલાઇથી ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા અને તાલુકાઓનું વિભાજન કરી નવા જિલ્લાઓ અને તાલુકાઓની રચના કરવામાં આવી છે. તેવી જ રીતે વાહન વ્યવહાર ખાતા દ્વારા પણ વાહન અને લાયસન્સ સંબંધિત સેવાઓ લોકોને સહેલાઇથી ઉપલબ્ધ થાય તે માટે વસ્ત્રાલ ખાતે અમદાવાદ પૂર્વ અને બાવળા ખાતે અમદાવાદ ગ્રામ્ય એઆરટીઓ કચેરીની રચના કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર જેવા કે માંડલ, દેત્રોજ, વિરમગામ, ધંધુકા, ધોલેરા, ધોળકાના લોકો માટે એઆરટીઓ કચેરી બાવળા તે જ રીતે પૂર્વ અમદાવાદના વિસ્તાર અને દસ્ક્રોઇ તાલુકાના પૂર્વ વિસ્તારના લોકોએ અમદાવાદ પૂર્વ (વસ્ત્રાલ) એઆરટીઓ કચેરી ખાતે લાયસન્સ અને વાહન સંબંધિત સેવાઓ માટે જવાનું હોય છે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર અને અમદાવાદ પૂર્વમાં રહેતા લોકો સુભાષબ્રીજ ખાતે આવેલ આરટીઓ કચેરીમાં પણ આ સેવાઓ માટે જવું ન પડે અને સમયની બચત થાય તેથી નાગરિકો આરટીઓ કચેરીના કામ માટે તેઓના રહેઠાણ/કામધંધાના સ્થળે આવેલ વિસ્તારની આરટીઓ કચેરીની મુલાકાત લે તેમ વાહન વ્યવહાર, કમિશનરની યાદીમાં જણાવ્યું છે.