લોકગાયિકા કિંજલ દવેએ કેસરીયો ધારણ કર્યો, લોકોનેે કરી અપીલ…

અમદાવાદ- ગુજરાતની લોક ગાયિકા કિંજલ દવે પોતાના ગીતોને લઇ હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે વધુ એક વખત કિંજલ દવેએ સૌ કોઇને ચોંકાવી દીધાં છે.

મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતી લાકગાયિકા કિંજલ દવે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ પ્રમુખ જીતી વાઘાણીને મળી હતી. ત્યાર બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકારી હતી. આ ઉપરાંત જીતુ વાઘાણીએ કિંજલ દવેને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

કિંજલ દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર જીતુ વાઘાણી સાથેનો ફોટો પણ પોસ્ટ કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે. આ સાથે જ કિંજલે પોતાના પ્રશંસકો અને લોકોને ભાજપની સદસ્યતા ઝૂંબેશમાં જોડાવા માટે આગ્રહ પણ કર્યો છે.

કિંજલ દવેએ ફેસબુક પર ભાજપના સદસ્યતા પદ મેળવ્યાનો પણ ફોટો શેર કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, સાથે આવો દેશ બનાવીએ.

મહત્વનું છે કે, કિંજલ દવે સમગ્ર ગુજરાતમાં ફેમસ થઈ ચૂકી છે. તેણી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે. પોતાના કંઠના તાલે ગુજરાતીઓને ઘેલા કર્યા છે.

ગુજરાતી સંસ્કૃતિ, લોકસાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કરતા ગુજરાતી ગાયક કલાકારો પણ વિદેશમાં જાણીતા છે. પણ મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કિંજલ દવે ધૂમ મચાવી રહી છે.