આણંદ- ભારત સરકારના રાજ્ય કક્ષાના કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતીરાજ પ્રધાન પરસોત્તમ રૂપાલા દ્વારા દેશની ઉત્તમ દૂધ ઉત્પાદક સહકારી સંસ્થાઓનું તેમણે કરેલી પ્રશંસાપાત્ર કામગીરી અને ડેરી પ્રવૃત્તિ દ્વારા મહિલા સશક્તિકરણ બદલ તા.1 જૂન, 2018ના રોજ આણંદમાં એનડીડીબીના ટી. કે. પટેલ ઓડિટોરીયમમાં બહુમાન કરવામાં આવ્યું હતું. મહિલા વિસ્તરણ અધિકારીઓનું પણ તેમણે મહિલા સશક્તિકરણ માટે કરેલી પ્રશંસાપાત્ર કામગીરીને ધ્યાનમાં લઈ સન્માન કરવામાં આવ્યું હતું.એનડીડીબીએ ઉત્પાદકોની કામગીરીનું સન્માન કરવાના હેતુથી અને ભવિષ્યમાં તેઓ પોતાના પ્રયાસો જાળવી શકે તે હેતુથી એનડીડીબી ડેરી ઈનોવેશન એવોર્ડનો પ્રારંભ કર્યો છે.
ગુજરાત રાજય કક્ષાના સહકાર, રમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિ (સ્વતંત્ર હવાલો) અને પરિવહન વિભાગના રાજ્ય પ્રધાન ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, ગુજરાત રાજય કક્ષાના કૃષિ, પંચાયત,પર્યાવરણ(સ્વતંત્ર ચાર્જ)રાજ્ય પ્રધાન જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર, રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદીયા, લોકસભાના સાંસદ દિલીપભાઈ પટેલ તથા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન દિલીપ રથ આ પ્રસંગે હાજર રહ્યા હતા.એવોર્ડ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે બોલતાં પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે “ડેરી ઉદ્યોગની પ્રગતિમાં દૂધ મંડળીઓએ પાયાની ભૂમિકા બજાવી છે. આપણા ડેરી ક્ષેત્રના ખેડૂતોએ ગ્રાહકોને દૂધનો વધુ પૂરવઠો પૂરો પાડવાના પ્રદાનની સાથે સાથે પોતાની રોજગારી જાળવી રાખવાની તાકાત હાંસલ કરી છે. સહકારી સંસ્થાઓએ ખેડૂતોને વળતરદાયી રોજગાર આપવાની સાથે સાથે તેમને બજારની નિકટ લાવે છે.”
કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે ઉત્પાદકોની માલિકીની અને તેમના દ્વારા નિયંત્રિત ડેરી સંસ્થાઓ, સંગઠીત ક્ષેત્રના હાલના તેમના દૂધના હિસ્સાનુ વિસ્તરણ કરે તે રોજગારની દ્રષ્ટીએ પણ ખૂબ જ મહત્વનું છે. આથી ઉત્પાદકોની સંસ્થાઓ દેશના આર્થિક-સામાજીક વિકાસમાં પ્રદાન કરે અને સહકારી ક્ષેત્રનાં મૂળભૂત મૂલ્યોનું પાલન કરે તે માટે પ્રોત્સાહિત કરવી જરૂરી છે. આ ઈનોવેશન એવોર્ડ સ્થાપિત કરવા માટે એનડીડીબીના પ્રયાસોની તથા ગામડાંના પ્રશંસા કરી હતી. એનડીડીબીનો ઉદ્દેશ હંમેશાં ગામડાંના ડેરી ક્ષેત્રના ખેડૂતોના ઉત્કર્ષનો રહ્યો છે.મુખ્ય મહેમાન તથા અન્ય માનવંતા મહેમાનોએ આપણા દેશની ઉત્તમ સંસ્થાઓને 21 ઈનોવેશન એવોર્ડ એનાયત કર્યા હતા. 12 મહિલા વિસ્તરણ અધિકારીઓનું પણ મહિલા સશક્તિકરણમાં તેમની નમૂનારૂપ કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યું હતું. 56 મહિલા વિસ્તરણ અધિકારીઓનું પણ તેમણે મહિલા સશક્તિકરણમાં બજાવેલી કામગીરી બદલ સન્માન કરાયું હતું. એવોર્ડ હાંસલ કરનારને ગુજરાત સરકારના પ્રધાનો તથા સંસદ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા અને ડેરી સહકારી સંસ્થાઓ અંગે તેમના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા.
“પશુપાલન નિર્દેશિકા” નામના પુસ્તકનું વિમોચન કરતાં રૂપાલાએ નિર્દેશ કર્યો હતો કે દૂધ ઉત્પાદકો પોતાનાં પશુઓની બહેતર મેનેજમેન્ટ, પોષણ, પશુ આહાર, ઘાસચારા અને પ્રિવેન્ટીવ હેલ્થ કેર દ્વારા સંભાળ રાખવા સજજ બને તે જરૂરી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે એનડીડીબી દ્વારા બહાર પડાયેલુ આ પ્રકાશન ખેડૂતોને તેમના પશુઓના બહેતર મેનેજમેન્ટ માટે સહાયક બનશે. તેમણે એનડીડીબી દ્વારા નિર્મિત દૂધ અને દૂધની વપરાશને પ્રોત્સાહિત કરતી ટીવી કોમર્શિયલ(વિજ્ઞાપન)નું અને કૃત્રિમ વિર્યદાનના લાભ દર્શાવતી ફિલ્મનું પણ વિમોચન કર્યું હતું.એનડીડીબીના ચેરમેન દિલિપ રથે જણાવ્યું કે સૌ પ્રથમ વાર ડેરી ઉદ્યોગ અને ખાસ કરે ડેરી ક્ષેત્રની સહકારી સંસ્થા એનડીડીબી ઈનોવેશન કરનારનું બહુમાન કરી રહી છે. તેમની કામગીરી વિશિષ્ટ છે, કારણ કે તે વણ ખેડાયેલા પથને અનુસરે છે. શ્રી રથે જણાવ્યું હતું કે એનડીડીબીએ તેના પ્રારંભ કાળથી જ ડેરી ઉદ્યોગમાં ઘણાં ઈનોવેશનને પ્રોત્સાહિત કર્યા છે અને આ પરંપરા ચાલુ રાખવામાં આવી છે.