મુંબઈઃ મુંબઈમાં 26 નવેમ્બર 2008 ના દિવસે થયેલા આતંકી હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ગુજરાતની કુબેર બોટના નાવિક રમેશ બાંમણિયાના પરિજનોને 11 વર્ષ બાદ વળતર મળ્યું છે. ગુજરાત સરકારે તેમની પત્નીને વળતર પેટે 5 લાખ રુપિયા આપ્યા છે. મૃતક રમેશ બામણિયાના પરિજનોએ સરકાર પાસેથી જમીન અને પરિવારમાંથી એકને સરકારી નોકરી આપવાની પણ માંગ કરી છે.
આતંકીઓએ વર્ષ 2008 માં મુંબઈ હુમલો કર્યા પહેલા સમુદ્રમાં સૌરાષ્ટ્રની કુબેર બોટનો સહારો લીધો હતો. આતંકીઓએ કુબેર બોટને પોતાના કબ્જામાં લઈને તેમાં સવાર પાંચ માછીમારોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કુબેર બોટમાંથી નાવિક રમેશ બામણિયાનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે બાકી લોકોના મૃતદેહ વિશે કોઈ માહિતી મળી નથી. આ હુમલામાં માર્યા ગયેલા મૃતક રમેશ બામણિયાની પત્નીએ ગુજરાત સરકાર પાસેથી વળતરની માંગ કરી હતી. ઘણા વર્ષો સુધી સરકારી વિભાગોમાં વળતર માટે ધક્કા ખાધા બાદ તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે સુનાવણી બાદ ગત 22 ઓક્ટોબરના રોજ ગુજરાત સરકારને નાવિક રમેશ બામણિયાની પત્નીને પાંચ લાખ રુપિયા આપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે અમારી પાસે અત્યારે ફંડ નથી. ત્યારબાદ હાઈકોર્ટે મુખ્યમંત્રીના ફંડમાંથી આ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જમીન અને સરકારી નોકરીની માંગ કરવામાં આવી હતી. આ સંબંધમાં હાઈકોર્ટે 13 નવેમ્બરના દિવસે સુનાવણી નિર્ધારિત કરી હતી.