અયોધ્યાઃ રામલલ્લાનું આ મંદિર રાજસ્થાનની ગુલાબી પથ્થરોથી બનશે

અમદાવાદઃ અયોધ્યામાં રામ જન્મ ભૂમિ પર નાગર શૈલીમાં રાજસ્થાનના પથ્થરોથી હવે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે. સવા લાખ પથ્થરોની ઘડાઈ થઈ ચૂકી છે. કદાચ હવે આટલા જ બીજા પથ્થરોની જરુર પડશે અને 2022 સુધીમાં રામ મંદિર બનીને તૈયાર થઈ જાય તેવી શક્યતાઓ છે. આ વિશે રામ મંદિરના શિલ્પકાર ચંદ્રકાંત સોમપુરાએ માહિતી આપી હતી.(પ્રતીકાત્મક તસવીર)

સોમનાથથી અયોધ્યા સુધી નિકળેલી રથયાત્રા પહેલા જ વિશ્વ હિંદુ પરિષદના તત્કાલીન અધ્યક્ષ અને રામ મંદિર આંદોલનના આગેવાન અશોક સિંઘલે સોમપુરાને દિલ્હી બોલાવીને રામ મંદિરના નિર્માણની યોજના શરુ કરવાનું કામ સોંપી દીધું હતું. સોમપુરા અનુસાર, ભરતપુર, રાજસ્થાનના બંસી ડૂંગરપુર ગુલાબી પથ્થરોથી જ રામ મંદિર બનશે, આમાં આશરે અઢી લાખ ઘનફૂટ પથ્થર લગાવવા પડશે. છેલ્લા ત્રણ દશકથી અયોધ્યા, રાજસ્થાન સહિત ઘણી જગ્યાઓ પર રામ મંદિર માટે સામગ્રી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સવા લાખ પથ્થરોની ઘડાઈનું કામ થઈ પણ ચૂક્યું છે.

મંદિરની ડિઝાઈન અનુસાર, સવાલાખ પથ્થરોની હજી જરુર પડશે. પથ્થરોને એબીસીડી અને 1,2,3 ના હિસાબથી નંબર આપવામાં આવ્યા છે, જેને નંબરના આધાર પર લગાવવાના છે. રામ મંદિર હવે વિવાદિત રામ જન્મભૂમિ પર જ બનશે. એ વાત નક્કી થઈ ચૂકી છે અને એટલા માટે જ સોમપુરાનું માનવું છે કે મંદિર નિર્માણ અઢીથી ત્રણ વર્ષમાં પૂર્ણ થઈ શકે છે.

આશીષ સોમપુરા અનુસાર, ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન રામનું મંદિર ભગવાન વિષ્ણુને ખૂબ પસંદ એવા અષ્ટકોણીય આકારમાં બનશે. નાગર શૈલીમાં ભરતપુરના ગુલાબી અઢી લાખ પથ્થરોથી 2 માળનું મંદિર બનશે. આમાં આશરે 251 સ્તંભ હશે, જેના પર વિવિધ આકૃતિઓ કોતરણી કરવામાં આવી હશે. 240 ફૂટ લાંબા, 145 ફૂટ પહોળા અને 141 ફૂટ ઉંચા રામ મંદિર પહેલા માળ પર બાળસ્વરુપમાં આશરે 6 ફૂટની ઉંચાઈના રામ લલ્લા બિરાજમાન હશે. બીજા માળ પર રામ દરબાર હશે, જેમાં ભગવાન રામ, લક્ષ્મણજી, માતા સીતા અને હનુમાનજી મહારાજની પ્રતિમાઓ હશે. મંદિર પૂર્વાભિમુખ હશે, પરંતુ આમાં પ્રવેશ માટે ચારે બાજુ દ્વાર હશે. મંદિરનું ગર્ભગૃહ અઘુપુરમ અલગ હશે તેમજ કુંજનું નિર્માણ અલગ થશે.(પ્રતીકાત્મક તસવીર)

76 વર્ષના ચંદ્રકાંત સોમપુરા મૂળ ગુજરાતના પાલીતાણાના રહેવાસી છે. તેમનો પરિવાર ઘણી પેઢીઓથી મંદિર નિર્માણનું કાર્ય કરતો આવ્યો છે. તેઓ અત્યારસુધી હિંદૂ, જૈન અને સ્વામિનારાયણ સંપ્રદાયના 100 થી વધારે મંદિર બનાવી ચૂક્યા છે. આમાં ગાંધીનગરનું સ્વામીનારાયણ મંદિર, પાલનપુરનું અંબાજી માતાનું મંદિર અને અન્ય ઘણા મંદિરોનો સમાવેશ થાય છે. સોમપુરા આખી જ્ઞાતી જ મંદિર નિર્માણના કાર્ય સાથે જોડાયેલી છે, જે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં છે.

રામ મંદિરના શિલ્પી ચંદ્રકાંત સોમપુરાના પિતા પ્રભાશંકર ભાઈ સોમપુરા ગુજરાતના સોમનાથ મંદિરના શિલ્પકાર હતા. ગુજરાતના પ્રભાસ પાટણ અને હવેના ગીર સોમનાથ જિલ્લામાં તેનું નિર્માણ આશરે દોઢ કરોડ રુપિયામાં થયું હતું. આઝાદી બાદ 1947 થી 1952 વચ્ચે આ મંદિર બન્યું હતું. સોમનાથ ટ્રસ્ટ અત્યારે આ મંદિરનું મુખ્ય કર્તાધર્તા છે. દિલ્હી અને મુંબઈના રામ મંદિર, મથુરાનું કૃષ્ણ જન્મ સ્થાન તેમજ ગોરખપુરનું રાધાકૃષ્ણ સાધના કેન્દ્ર, નાગદા મધ્ય પ્રદેશનું વિષ્ણુ મંદિર વગેરે મંદિરનું નિર્માણ પણ સોમપુરા પરિવારે જ કર્યું છે. સોમપુરાએ અત્યારસુધીમાં સૌથી મોંઘું મંદિર પાલનપુરમાં અંબાજી માતાનું બનાવ્યું છે જેમાં દસ કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ રામ મંદિર અત્યાર સુધીના બધા મંદિરોમાનું સૌથી ભવ્ય અને દિવ્ય મંદિર તેમજ ખર્ચમાં પણ વધારે હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]