દિલ્હીમાં ગુજરાતી ચિત્રકાર શૈલેશ સંઘવીની કલાકૃતિઓનું પ્રદર્શન

દિલ્હી: પેઈન્ટર શૈલેશ સંઘવી તેમના ઉત્તમ કોલાજ આર્ટવર્ક માટે જાણીતા છે. એમની નવી કલાકૃતિઓનું એકલ પ્રદર્શન ૮મી નવેમ્બરે દિલ્હીમાં હેબીટાટ સેન્ટરના વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મુકાયું છે. ઍબ્સ્ટ્રૅક્સ અને સ્ટનિંગ કોલાજ કૃતિઓનું આ વિશાળ પ્રદર્શન ૧૪મી નવેમ્બર સુધી સવારે ૧૧ થી સાંજે ૮ વાગ્યા સુધી સહુ કોઈ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.

શૈલેશના આ આર્ટ-શોના ક્યુરેટર રોબિન્સન જણાવે છે કે આ પ્રદર્શનમાં જોતાંની સાથે હૃદયને સ્પર્શી જાય અને મીટ માંડીને જોયા કરવાનું મન થાય તેમ જ કલાકૃતિ ચિત્રમાં જ તાકી તાકીને જોતા રહી જવાય એવી આકર્ષક સુંદરતા છે. આ ચિત્રકૃતિઓ બહારની અને આપણા ભીતરની એમ બંને સૃષ્ટિ સાથે સ્મરણપટલ પર એક નવી ભાત આંકે છે. શૈલેશ તેમની કોલાજ કલાકૃતિઓમાં માત્ર કાગળ જ નહિ પણ કેનવાસ અને એક્રેલિક પેઇન્ટીંગનો ઉપયોગ કરે છે. આ રીતે તેઓ આખા નવા પરિદૃશ્યને જીવંત બનાવે છે.

આ પ્રદર્શનમાં મુકાયેલ કલાકૃતિઓ પર્યાવરણની બાબત પાર ભાર મૂકીને રચાયેલ છે જે ભાવકોને પર્યાવરણ પ્રત્યેની જાગરૂકતા માટે પ્રેરે છે અને આપણી ધરતીમાતાના પર્યાવરણનું વધુ સારી રીતે જતન કરવા માટે વ્યક્તિ કેવી રીતે પોતાની ભૂમિકા એડા કરી શકે એ પણ સમજાવે છે.